ભુજ મંદિરમાં ઘનશ્યામ મહારાજને ૧૪ કિલો સુવર્ણના કલાત્મક વાઘા અર્પણ

Tuesday 14th May 2019 08:59 EDT
 
 

ભુજઃ સ્વામીનારાયણ મંદિર, ભુજમાં પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની અતિ વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને તાજેતરમાં ૨૪ કેરેટ સુવર્ણનાં ૧૪ કિલોનાં સુંદર વાઘા અર્પણ કરવાની વિધિ થઈ હતી. ઓસ્ટ્રેલિયામાં રહેતા કચ્છી યજમાન માવજી કરસન રાજાણી અને શિવજીભાઇ વીરજી કેરાઇ પરિવારોએ ભગવાનને સુવર્ણનાં વાઘા અર્પણ કર્યાં હતાં. ભુજ નરનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, વરિષ્ઠ સંત ભગવદજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સંપ્રદાયની આ અજોડ મૂર્તિને સુવર્ણના વાઘાથી સજાવાઇ હતી.
આ પ્રસંગે પુરાણી હરિદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું કે, સિડની-ઓસ્ટ્રેલિયાના રહેવાસી શિવજી કેરાઇ અને વાલબાઇનાં સુપુત્રો લાલજીભાઇ, કરસનભાઇ, પૌત્ર દિનેશભાઇ, વીનેશભાઇ તથા પરિવાર તેમજ વેકરાના માવજીભાઇ કરસન રાજાણી અને વાલીબહેનનાં સુપુત્ર રમેશભાઈ, પૌત્ર અનુજ તથા પરિવારની આ સેવાની ઇતિહાસમાં નોંધ લેવાશે.
શાસ્ત્રી અક્ષર પ્રકાશદાસજી સ્વામીએ પણ આ પરિવારોની આસ્થાને બિરદાવી હતી. અન્ય સંતો શાસ્ત્રી રંગદાસજી સ્વામી, પુરાણી મુરલી મનોહરદાસજી સ્વામી અને શાસ્ત્રી કેશવજીવનદાસજી સ્વામીની કૃપા પ્રાપ્ત આ પરિવારોના સમર્પણને હજારો હરિભક્તોએ સત્સંગમાં વધાવી લીધું હતું.
૮મી મેએ સવારે ૮ વાગ્યે ઠાકોરજીની નગરયાત્રા નીકળી હતી. સાંજે ૫ વાગ્યે મહારાજનું આગમન અને સુવર્ણ ડગલી અર્પણ કાર્યક્રમ હતો. ૯મી મેએ સવારે ૬ કલાકે પાટોત્સવનો અભિષેક કરાયો હતો. વહીવટી કોઠારી રામજીભાઇ દેવજી વેકરિયા, ઉપકોઠારી મૂરજીભાઇ કરસન સિયાણી, શશિકાંતભાઇ ઠક્કર, રાજુભાઇ દવે સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળની મહેનતથી ઉત્સવ દીપી ઉઠ્યો હતો.
મંદિરોનું ‘સુવર્ણ’ વર્ષ
આ વર્ષમાં ભગવાન અને મંદિર ઉપરાંત ગૌમાતા માટે પણ ભક્તોએ સુવર્ણદાન કર્યું છે. ગૌવંશ બચાવવા છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. પાંચ કરોડ ભુજ સ્વામીનારાયણ મંદિરે ખર્ચ્યા હોવાનું કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે જણાવ્યું હતું. માંડવી સ્વામીનારાયણ મંદિરમાં સુવર્ણ શૈયા અર્પણ કરાઈ હતી અને ગૌ સેવાર્થે ૧ કિલો સોનું દાન થયું હતું.
ભુજમાં ભગવાનને ૧૪ કિલોનાં વાઘા, ડગલી, મુગટ અર્પણ થયા છે. ઓસ્ટ્રેલિયાના શિવરાજ ફેબ્રિકેટર્સ, હાઇ-સ્વિચ પરિવારોએ આપેલા દાનથી હરિભક્તોએ અહોભાવ પ્રગટ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter