ભુજની અદાણીની હોસ્પિટલમાં ૨૬ દિવસમાં ૨૬ નવજાતનાં મોત

Wednesday 30th May 2018 07:37 EDT
 

ભુજઃ ભુજની જનરલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે ૧૧૧ બાળકોના મોત થયાં છે જે પૈકી ૨૬મી મે સુધીમાં ૨૬ દિવસમાં ૨૬ એટલે કે, દૈનિક સરેરાશ એક મોત થતાં હોબાળો મચી ગયો છે. છેલ્લા ૪ વર્ષમાં હોસ્પિટલમાં ૭૦૦થી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. હોબાળો થતાં રાજ્ય સરકારના આદેશથી એક ટીમ અહીં ધસી આવી હતી. ત્રણ તબીબોની ટીમે અદાણી સંચાલિત હોસ્પિટલના એનઆઇસીયુ, પ્રસૂતિ વોર્ડ તેમજ અન્ય વિભાગની મુલાકાત લીધી હતી. આ સમિતિ દ્વારા રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ગાંધીનગરની સરકારી હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. હિમાંશુ જોશી, જામનગરની મેડિકલ કોલેજના પીડિયાટ્રિક હેડ ડો. ભદ્રેશ વ્યાસ અને રાજકોટની સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ વિભાગના વડા ડો. કમલ ગોસ્વામી એમ ત્રણ તબીબોની ટીમે ખાસ તો નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં અપાતી સારવાર અંગે ઝીણવટભરી વિગતો મેળવી હતી તેમજ તેમાં દાખલ શિશુઓના વાલીઓ પાસેથી પ્રતિભાવો જાણ્યા હતા. આ ઉપરાંત પ્રસૂતિ વિભાગમાં પહોંચેલી સમિતિએ માતાઓની પૃચ્છા કરીને વિગતો મેળવી હતી.
હોસ્પિટલની ચારેક કલાકની મુલાકાત માટે આવેલી આ સમિતિ ચાલુ માસમાં મોતને ભેટેલા ૨૬ બાળકો તેમજ અન્ય મોત માટે કેસ પપરનો અભ્યાસ કરશે. જાત નીરીક્ષણ અને કેસ પેપરની સ્ટડીના અંતે તૈયાર થનારો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાશે ત્યાર બાદ શું પગલાં લેવાય છે તેના પર સૌની મીટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter