ભુજિયાનું જતન થશે?

Wednesday 25th November 2015 08:15 EST
 

ભુજિયાના ઐતિહાસિક વારસા અને જૈવિક વૈવિધ્યનું જતન કરવાના હેતુ સાથે ગઠન થયેલી ‘ભુજિયા સંવર્ધન સમિતિ’ છેલ્લા બે વર્ષોથી વિવિધ પ્રવૃત્તિઓ કરી ભુજિયાને ધમધમતો રાખવાના પ્રયાસો કરી રહી છે. ભુજિયાના રક્ષણ માટે સરકાર સાથેના સંકલનથી માંડી શાળાના વિદ્યાર્થીઓમાં નાનપણથી જ ભુજિયાનું મહત્ત્વ સમજાય એ હેતુથી સમિતિ કાર્યરત રહી છે. તાજેતરમાં અસામાજિક તત્ત્વોએ ભુજિયાના દરવાજાને તોડી નાંખ્યો છે તો બીજી બાજુ ખેર, ખીજડો જેવી અનેક દુર્લભ વનસ્પતિઓનો બળતણ માટે લોકો સોથ વાળી રહ્યા છે. આ પરિસ્થિતિથી વ્યથિત ભુજિયા પ્રેમીઓએ ભુજિયાની જાળવણી માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં સમિતિની પ્રવૃત્તિઓ અને ભુજિયાની હાલની સ્થિતિ દર્શાવવા સાથે સમિતિ દ્વારા કેટલાંક સૂચનો કરાયાં હતાં પ્રત્યુત્તરમાં કલેકટરે ટૂંક સમયમાં ભુજિયાનો કિલ્લો રિપેર કરાશે તેવી બાંયધરી આપી.

કચ્છના ટૂરિસ્ટ ગાઇડ્ઝની લાયસન્સ પરત કરવાની ચીમકીઃ રણોત્સવ જોવા આવતા પ્રવાસીઓને કચ્છદર્શન માટે બહારના ગાઇડોને કામે લેવાતાં કચ્છના સ્થાનિક ભોમિયાઓએ પોતાના લાયસન્સ પાછા આપી દેવાની પ્રવાસન નિગમ અને જિલ્લા કલેકટરને ચીમકી આપી છે. ગુજરાત પ્રવાસન નિગમે કચ્છ રણોત્સવનું ખાનગીકરણ કરતાં બન્નીના કારીગરો, વેઇટર, પ્લમ્બર, ઇલેક્ટ્રીશિયન ઉપરાંત વાહનો પણ બહારથી લવાતાં સ્થાનિક કામદારોની રોજગારીની તક છીનવાઈ ગઈ છે. તેથી કચ્છની આશરે ૨૪ જેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા કલાકારો, ટુરિસ્ટ ગાઇડ અને સંબંધિત કામદારોએ ગુજરાત ટૂરિઝમને અરજી કરી હતી કે તેમની રોજગારીની તકો વિશે વિચારણા કરે. આ ફરિયાદમાં એવું પણ જણાવાયું હતું કે, પ્રવાસન નિગમના નિયમ મુજબ વ્યક્તિએ રોજના રૂ. ૧૨૫૦ના દરની સામે ખાનગી ઠેકેદારો તેમને છેલ્લા ત્રણ વર્ષથી રૂ. ૬૦૦ જ આપી રહ્યા છે.

હંગેરીની લાડી ને માંડવીનો વર...! ત્રણેક વર્ષ પહેલાં માંડવીના યુવક વિપુલ ઇન્દ્રજિત દ્વારકાદાસ ટોપરાણી જર્મનીમાં લેંગ્વેજ કોર્સ કરવા ગયો અને સહપાઠી હંગેરીની આના વિલોય શબો સાથે પરિચય પ્રગાઢ બનતાં બંને લગ્ન કરવાનું નક્કી કર્યું. ૧૯મીએ માંડવીમાં ગાયત્રીવિધિ વિધાનપૂર્વક લગ્નગ્રંથિથી બંને જોડાયા. આના કહે છે કે, ગત દિવાળી દરમિયાન તે ભારતની પ્રથમ મુલાકાતે આવી હતી. મિત્રતાના નાતે વિપુલ સાથે તે કચ્છ-રાજસ્થાન ગઈ અને તેને આ સ્થળ ખૂબ ગમ્યાં. આના હવે ‘કિં અયો...?’ કોરો કરયોતા? જય શ્રી કૃષ્ણ’ જેવા ગણ્યાગાંઠ્યા કચ્છી શબ્દો ઉચ્ચારતી થઈ છે સાથે હિન્દી ભાષા શીખી રહી હોવાનું તેણે કહ્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter