ભૂકંપને ૨૦ વર્ષ: કચ્છમાં હજુ પણ મોટા આંચકાઓનું જોખમ

Tuesday 26th January 2021 10:43 EST
 
 

ભુજઃ વર્ષ ૨૦૦૧માં ૨૬મી જાન્યુઆરીની સવારે ૮.૪૬ વાગ્યે કચ્છમાં વિનાશકારી ભૂકંપને ૨૦ વર્ષ થયાં છે. કચ્છની ભૂમિએ વિશ્વરભરના ભૂસંશોધકો માટે દિશાઓ ઉઘાડી મૂકી છે અને સિસ્મોલોજિકલ સંશોધનને વેગ મળ્યો છે. જુરાસિક યુગ સાથે જોડાયેલી કચ્છની ધરતી ભૂકંપીય સ્થિતિ વચ્ચે ત્રિપરિમાણીય ભૂસંશોધન વૈશ્વિક કેન્દ્ર બની છે. જેમાં પેલિયો સિસ્મોલોજી (પૂર્વ ભૂકંપશાસ્ત્ર), પ્લેટ મોશન સ્ટડી અને જીપીએસ સ્ટડીના ત્રિપરિમાણીય ભૂસંશોધનમાં ૨૦ વર્ષના ગાળામાં ૪૦૦ જેટલા સંશોધન પેપર ભારત ઉપરાંત અન્ય દેશોના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યાં છે. કચ્છના શિક્ષકો, પ્રાધ્યાપકો અને ભૂસ્તરશાસ્ત્રીઓએ પણ ૪૦ સંશોધનો વૈશ્વિક યુનિવર્સિટીમાં અને ભૂસ્તરીય સંસ્થાઓમાં રજૂ કર્યાં છે.
સરેરાશ એવું તારણ નીકળી રહ્યું છે કે, કચ્છની જમીનમાં ધરબાયેલી કચ્છ મેઈન ફોલ્ટલાઈન અને સાઉથ વાગડ ફોલ્ટ લાઈન સતત એક્ટિવ છે. આ લાઈનના કારણે કચ્છને કોઝેટિવ ફોલ્ટ તરીકે પણ ઓળખાય છે. નરી વાસ્તવિકતા એ જાણવા મળી છે કે, કચ્છ બેસીનના સામખિયાળીથી આધોઈ સુધીની ત્રિજ્યામાં આ બંને ફોલ્ટલાઈન ઓવરલેપ થતી હોવાના કારણે એક બીજી પ્લેટમાં છૂટી પડતી ઉર્જાનું કંપન ગલ્ફ ઓફ કચ્છથી માંડીને નગરપારકરની રેન્જ સુધી અનુભવી શકાય છે. આ ફોલ્ટલાઈનમાં ભારે તીવ્રતાના આંચકા આવવાની શક્યતાઓ વર્તમાન અને ભાવિમાં પણ નકારી શકાતી નથી.
૩૫ કિ.મી ઉંડા ભૂતળની સોનોગ્રાફી
કચ્છમાં બે દાયકામાં ત્રિપરિમાણીય ભૂસંશોધન વચ્ચે ૩૫ કિ.મી ઉંડા ભૂતળની સોનોગ્રાફી કરાઈ છે તેમ કહી શકાશે. તેમાં સિંગલ ફોલ્ટલાઈન અને ડબલ ફોલ્ટ લાઈનના કારણે દરેક વખતે સંશોધનનો અવકાશ ઉભો થતો રહ્યો છે. ૨૦૦૧ના ભૂકંપથી અત્યાર સુધીમાં ૭૦૦૦થી ૮૦૦૦ આફ્ટરશોક અને ૩ની તીવ્રતાથી વધુના આંચકા આવ્યા છે. વર્ષ ૨૦૦૧ વખતે ભૂવિજ્ઞાનીઓ ઓછા હતા અને ભારત બહારના ભૂનિષ્ણાતો આવ્યા હતા. જોકે તબક્કાવાર દેશવિદેશના અભ્યાસકારો દ્વારા અહીં સંશોધન વધ્યું છે.
ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચની સ્થાપના
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધરતીકંપની સ્થિતિના ગાળામાં જ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારબાદના તેમના કાર્યકાળમાં ભૂકંપના વૈજ્ઞાનિક સંશોધન માટે ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચની સ્થાપના કરાઈ અને તબક્કાવાર રાજ્યભરમાં ઠેર ઠેર સિસ્મિક યંત્રો ગોઠવાયા. કચ્છમાં આવા ૨૨ સેન્ટરમાં સિસ્મિક યંત્રો છે અને આંચકા આવતાંની અમુક ક્ષણોમાં તેની તીવ્રતા સહિતની માહિતી ભૂવિજ્ઞાનીઓ સુધી ગાંધીનગરમાં પહોંચી જાય છે. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટની અલાયદી વ્યવસ્થા પણ એક પરિણામરૂપ ગણાઈ છે.
મેગ્મા બહાર આવતાં ઉપર સુધી હલનચલન થતું રહે છે
જીઓ ફિઝીકલ સ્કેનિંગના આધારે ૩૫ કિ.મી.ની નીચેનું ભંગાણ હોવાની માહિતી સંશોધકોને ધ્યાનમાં આવી છે. પ્લેટમાં ઉર્જા છૂટી પડવાની સાથે ઉંડાણમાંથી મેગ્મા બહાર આવે છે અને તેની અસર સપાટી પર આવતાં હલનચલન બાદ આંચકાઓ આવે છે.
કોઈપણ લાઈનમાંથી આંચકા
ભૂકંપના ઝોન પાંચમાં આવતા કચ્છમાં એકથી વધુ કોઝેટિવ લાઈન છે અને તેના કારણે તેનું સંશોધન ગૂંચવણભર્યું પણ મનાય છે. કોઝેટિવ લાઈન્સ એટલે કોઈપણ લાઈનમાં આંચકા આવી શકે. આવી કોઝેટિવ લાઈન્સમાં ભૂકંપ આવવાની સંભાવનાઓ વધારે રહેતી હોય છે.
બે લાઈન પરના આંચકાની અસર
કચ્છ મેઈન લાઈન અને સાઉથ વાગડ ફોલ્ટ લાઈનમાં કંપન ઉભું થાય અને ત્રણ કે તેથી વધુની તીવ્રતાનું હોવા ઉપરાંત વધારે સેકન્ડ સુધી ચાલે તો તેની અસર નજીકના જિલ્લાઓ મોરબી, રાજકોટ, જામનગર ઉપરાંત અમદાવાદ સુધી થતું હોય છે.

મૃતકોને શ્રદ્ધાંજલિ

વર્ષ ૨૦૦૧માં ૨૬ જાન્યુઆરીએ આવેલા વિનાશક ભૂકંપનો ભોગ બનેલા અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ૧૮૨ બાળકો, ૨૧ શિક્ષકો, ૧ ક્લાર્ક તથા ૨ પોલીસ કર્મચારીઓને અંજારમાં નિર્માણ પામી રહેલા વીરબાળભૂમિ સ્મારક ખાતે ૨૬મીએ ૨૦૬ દીવડા પ્રગટાવી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter