ભુજઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે તાજેતરમાં કેન્યા વિચરણ દરમિયાન હાથી બચાવ અભિયાનને બળ પૂરું પાડતાં કચ્છી દાતા ગોપાલભાઇ ધનજી રાબડિયા પરિવાર દ્વારા ૧૦ લાખ સિલિંગનો ચેક અર્પણ કરાવ્યો હતો. હાથીદાંતની લાલચે કરાતી હત્યા નિવારવા આફ્રિકામાં હાથીદાંત ન માગો અભિયાન ચાલી રહ્યું છે. મસાઇમારા સફારી પાર્કમાં પ્રોજેક્ટના સી.ઇ.ઓ. માર્ક ગોસને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સહયોગ અપાયો તેનો આભાર વ્યક્ત કર્યો હતો.
- બે ખેલાડીને જાપાન વર્લ્ડ કપ કરાટેમાં સુવર્ણ ચંદ્રકઃ આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચાલતી આશાપુરા વુમન્સ એકેડેમીમાં બે વર્ષથી શોટોકન કરાટે ક્લાસ ચાલે છે. તેમાંથી નડિયાદમાં રાષ્ટ્રીય કક્ષાની કરાટે ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરીને વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે સંસ્થાની દીકરીઓ પાર્મી ઠક્કર અન્ડર ૧૩ અને ડોલર પટેલ અન્ડર ૧૫માં પસંદગી પામી છે. વર્લ્ડ કપ જાપાનના ટોકિયો મુકામે યોજાઈ રહ્યો છે, જેમાં આ બન્નેએ શાનદાર દેખાવ સાથે સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ મેળવી છે.