માતા - બહેનની હત્યા કરનાર યુવતીને ફાંસી ફટકારાઇ

Wednesday 21st March 2018 10:28 EDT
 
 

ગાંધીધામ: ગાંધીધામના નવી સુંદરપુરીના સથવારાવાસના રહીશ વિજય કસ્તુરભાઈ ડુંગરીયાએ ૧૮મી ફેબ્રુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેન મંજુએ તેની માતા રાજીબહેને અને તેની બહેનની આવેશમાં આવીને નજીવી બાબતે હત્યા કરી હતી. વિજયે ફરિયાદમાં નોંધાવ્યું હતું કે માતા રાજીબહેને મંજુને ઘરકામ બાબતે ઠપકો આપતાં મંજુએ ગાળાગાળી કરી. તેથી માતાએ તેને થપ્પડ મારી હતી. એના બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે મંજુએ જ્યારે બધા ગાઢ નિંદ્રામાં હતા ત્યારે મંદિરમાં રહેલી તલવારના ઘા મારીને માતા તથા તેની બે બહેનો આરતી તેમજ મધુને ગંભીર રીતે ઘાયલ કર્યાં હતાં.
શોરબકોરના કારણે ઘરના લોકો ઊઠીને ત્રણેયને દવાખાને લઈ ગયાં જ્યાં ડોક્ટરે રાજીબહેન અને આરતીને મૃત જાહેર કર્યાં હતાં. મધુને વધુ સારવાર માટે ભૂજ ખસેડાઈ હતી. ફરિયાદના આધારે મંજુની ધરપકડ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં ગાંધીધામ અધિક સેશન્સ અદાલતે મંજુને ૧૫મી માર્ચે ફાંસીની સજા ફટકારી હતી. કચ્છમાં અગાઉ આરડીએક્સ કેસમાં ચાર પાકિસ્તાનીઓને પણ ભૂજ કોર્ટે ૨૦૦૪માં ફાંસીની સજા ફટકારી હતી જે બાદમાં આજીવન કેદમાં ફેરવાઈ હતી.
મહારાષ્ટ્રની બે બહેનો ફાંસીની સજા મેળવનાર દેશની પ્રથમ મહિલા
ગાંધીધામની યુવતી ફાંસીની સજા મેળવનાર રાજ્યમાં પ્રથમ મહિલા છે. મહારાષ્ટ્રમાં પાંચ બાળકોનું અપહરણ અને હત્યા કરનાર સિરિયલ કિલર બહેનો સીમા ગાવિત અને રેણુકા શિંદેને હાઈ કોર્ટે ૨૦૦૪માં ફાંસી આપી હતી. બંને બહેનો ફાંસીની સજા મેળવનાર ભારતની પ્રથમ મહિલાઓ હતી. ૨૦૧૪માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બંનેની દયા અરજી ફગાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter