માધાપર પાટ હનુમાન મંદિરે ઝૂલતા પુલનું ખાતમુહૂર્ત કરાયું

Wednesday 17th February 2016 06:55 EST
 

નવાવાસમાં આવેલા પાટ હનુમાન મંદિરના બગીચા પાછળ આવેલી પાટ નદી ઉપર અવરજવર થઇ શકે તે માટે રૂ. ૧૧ લાખના દાતાઓનાં ખર્ચે ઝૂલતો પુલ બનાવવાનું ખાતમુહૂર્ત ૧૩મીએ કરાયું હતું. દાતા મંજુલાબેન વિનોદ ખોખાણી તેમજ દમયંતીબેન જેરામ માધાપરિયા સાથે જિ. ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, જિ.પં. પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.
• સરહદ પર જવાનોએ કર્યો મંદિરનો જિર્ણોદ્વારઃ રાષ્ટ્રની સરહદની સુરક્ષા કરતા સીમાસુરક્ષા દળની વાગડમાં ૧૫થી વધુ ચેકપોસ્ટ છે. ભગવાન પર અતૂટ શ્રદ્ધા ધરાવતા બી.એસ.એફ.ના જવાનોએ લોદ્રાણી પાસેથી પસાર થતા આઝાદી પહેલાંની કુડા ચેકપોસ્ટ પાસે આવેલા ૨૦૦ વર્ષ જૂની નાની દેરીનો ૧૩મીએ જિર્ણોદ્ધાર કરી મંદિર બનાવી દુર્ગા માતાજીની મૂર્તિ સ્થાપિત કરી હતી.
• બેંકની લોકઅદાલતમાં ૧.૯૦ કરોડના સમાધાનઃરાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન અને ઉપક્રમે કચ્છ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા બાર એસોસિયેશનના સહકારથી યોજાયેલી લોક અદાલતોમાં અલગ - અલગ બેંકોના અદાલતોમાં નહીં ગયેલા તેવા ૧૭૫ કેસોમાં રૂ. ૯૪.૮૨ લાખના લેણા વસૂલાતના સમાધાન ૧૨મીએ થયા હતા. કચ્છ જિલ્લામાં અદાલતોમાં દાખલ હોય તેવા બેંક લેણાંના કેસો તેમજ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ મુજબના ચાલતા કુલ્લ ૩૬ કેસોમાં સમાધાનથી નિકાલ થયા છે. રાષ્ટ્રીય લોકઅદાલતમાં કુલ્લ ૨૧૧ કેસોમાં રૂ. ૧.૯૦ કરોડના સમાધાન થયાં હતાં. કચ્છ જિલ્લામાં યોજવામાં આવેલી લોકઅદાલતો માટે દરેક ન્યાયાધીશે, દરેક તાલુકા બાર એસોસિયેશનના સભ્યોએ અને અદાલત કચેરીના કર્મચારીઓએ પૂરતો સહયોગ આપ્યો હતો.
• પોલીસના મોતથી ટાગોર રોડ ઉપર ગેરકાનૂની સ્પીડ બ્રેકર મુકાયાંઃ આદિપુર ગાંધીધામને સાંકળતા ટાગોર રોડ ઉપર બન્ને તરફના સર્વિસ રોડના અભાવે અવારનવાર અકસ્માત થાય છે. તાજેતરમાં અહીં અકસ્માતમમાં એક પોલીસકર્મીનું મોત થતાં પ્રશાસને સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાને અવગણીને રાજ્ય ધોરીમાર્ગ ઉપર સ્પીડ બ્રેકર બનાવ્યું છે. પરંતુ અકસ્માત નિવારવા બીજી તરફનો બાકી સર્વિસ રોડ બનાવવાની દિશામાં જવાબદાર તંત્રો ધરાર ઉદાસીનતા દાખવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter