મુંદરા ખાતે રૂ. ૧૦ હજાર કરોડના રોકાણ સાથે વાર્ષિક ૧૦ લાખ ટનની ક્ષમતા સાથેનો કોપર ગાળવાનો પ્લાન્ટ નાંખવાની અદાણી જૂથની યોજનાની જાહેરાત તાજેતરમાં થઈ છે. પ્લાન્ટ માટે અંદાજિત રૂ. ૧૦ હજાર કરોડ અને પર્યાવરણ સુરક્ષા માટે રૂ. ૯૦૦ કરોડનું અંદાજિત ભંડોળ ફાળવશે તેવું અદાણી જૂથે જણાવ્યું છે.
• કચ્છમાં ૯૩ નવા ચેકડેમને મંજૂરીઃ કચ્છ જિલ્લામાં નીચા જઇ રહેલાં પાણીનાં તળને કારણે ધારાસભ્ય પંકજભાઇ મહેતાએ જળસંપત્તિ પ્રધાન બાબુભાઇ બોખીરિયાને કરેલી પાણીની સમસ્યાના નિકાલ માટેની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯૭૯.૬૪ લાખના ખર્ચે કુલ ૯૩ ચેકડેમો બનાવવાની વહીવટી મંજૂરી અપાઇ છે. રાપર-ભચાઉ તાલુકાના ૪૫ ડેમોનો સમાવેશ થાય છે.
• ભુજમાં રાત વચ્ચે ચાર દુકાન અને એટીએમ તૂટ્યુંઃ શહેરમાં ધરતીકંપ બાદ નિર્માણ પામેલી આરટીઓલ રિલોકેશન સાઈટ ખાતે તાજેતરમાં ચાર દુકાન અને બેંક ઓફ બરોડાના એટીએમમાં તાળાં તોડીને ચોરીનો પ્રયાસ થતાં ભારે ચકચાર જાગી છે. જોકે ચકચારી જગાવનારા આ કિસ્સામાં સદભાગ્યે એકમાત્ર દુકાનમાંથી રૂ. ૫૦૦ની ચોરી થવા સિવાય વધુ હાનિ ટળી હતી.

