ગાંધીધામઃ ભારતભરમાં મીઠા (નમક)ના ઉત્પાદનમાં સૌથી વધુ મોખરે રહેલા કચ્છના મીઠા ઉદ્યોગ માટે તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. અગાઉ પણ અનેક વખત લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, હવે ત્રણ દિવસના ભારે વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ પરિસ્થિતિના કારણે કચ્છમાં મીઠાના ઉત્પાદનને પણ ગંભીર અસર થશે તેવો ભય આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને છે.
કચ્છમાં મીઠાના ઉદ્યોગના કારણે કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે અને દરિયાકાંઠે નાના-મોટા ઉદ્યોગકારો મીઠાનો વ્યવસાય ચલાવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસ નદીના પાણી કચ્છના રણમાં ફરી વળતાં સૂરજબારી પાસે ધમધમતા મીઠાના ૬૦થી વધુ કારખાના સદંતર બંધ થઈ ગયા છે. આ વિસ્તારના મોટાભાગના કારખાના મિકેનાઈઝ થઈ ગયા છે, વરસાદી પાણીમાં લાખો ટન પકવેલું મીઠું ધોવાયું છે અને સાથે મશીનરીને પણ વ્યાપક નુકસાન થયું છે.