મોમ્બાસાઃ આફ્રિકાના આ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા શરૂ થયેલી સામાજિક સેવાની રજત જયંતીની અનોખા મહોત્સવ રૂપે ઉજવણી થઇ હતી. સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ છારોડીના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની આજ્ઞાથી વેદાન્તસ્વરૂપદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરાઇ હતી. મોમ્બાસા-કેન્યામાં દર વર્ષે વારંવાર અનેક સામાજિક સેવાપ્રવૃત્તિઓ થાય છે. મોમ્બાસામાં અનેક સરકારી શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને દર વર્ષે આ સમાજસેવકો અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી આપીને દરિદ્રનારાયણની સેવા કરી રહ્યા છે. કચ્છી લેવા પટેલ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ-મોમ્બાસાની આ સામાજિક સેવાને ૨૫ વર્ષ પૂર્ણ થતાં ગાન્દિની પ્રાઇમરી સ્કૂલ કિનાંગો ખાતે પાંચ સ્કૂલના કુલ ૨૫૦૦ બાળકોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કર્યું હતું.
સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ રવજીભાઇ હાલાઇ, ઉપપ્રમુખ હીરજીભાઇ કરસનભાઇ હાલાઇ, મંત્રી ધનજીભાઇ ઝીણાભાઇ પિંડોરિયા તથા ચેરિટેબલ ટ્રસ્ટ, મેડિકલ ફંડ તથા એજ્યુકેશન ફંડના પ્રમુખ કમલેશભાઇ કરસનભાઇ વેલાણી, મંત્રી કલ્યાણભાઇ મૂરજીભાઇ આસાણી તથા સમિતિના સભ્યો જોડાયા હતા.