યુદ્ધ ‘૭૧માં તાત્કાલિક હવાઈપટ્ટી બનાવનારી વીરાંગનાઓનું સન્માન

Wednesday 01st August 2018 08:44 EDT
 
 

ભુજઃ રક્ષક વન રૂદ્રમાતા સાઇટમાં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી દરમિયાન માધાપરની આશરે ૪૦ વીરાંગનાઓનું મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી તથા મહાનુભાવો દ્વારા સન્માનપત્ર આપીને ૨૭મીએ સન્માન કરાયું હતું. ‘૭૧ના યુદ્ધ દરમિયાન માધાપરની બહેનોએ ૭૨ કલાકમાં હવાઈપટ્ટી તૈયાર કરી હતી.
કચ્છની આન બાન શાન એવી આ વીરાંગનાઓ તિરંગા વસ્ત્રમાં સજ્જ થઈને સન્માન સ્વીકાર્યું હતું. ૮૮ વર્ષના ધનબાઈ ભીમજી જણાવે છે કે, એ સમયે હું ગર્ભવતી હતી, પરંતુ દેશપ્રેમ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતી. ’૭૧ના સમયગાળામાં યુવાન એવી ૪૦ મહિલાઓ પૈકીની દરેકની આવી અલગ અલગ કહાની હતી, પણ સૌની એ કહાની સરખી હતી કે ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે કચ્છ સરહદે દુશ્મન દેશ વિમાનો દ્વારા સતત બોમ્બાર્ડિંગ ચાલુ રહેતું હતું. એક રાત્રે તો ૧૮ જેટલાં બોમ્બની વર્ષા થઈ હતી. એ સમયે કચ્છના કેટલાય વિસ્તારના રહીશોએ આખી રાત જાગીને કાઢી હતી.
એવા વાતાવરણમાં માધાપરની મોટાભાગની મહિલાઓ અને યુવતીઓ રન-વે પટ્ટી રિપેર કરવા દિવસના મંડી પડતી હતી. સાંજ પડ્યે પાછી ઘરે જતી. એવામાં જો દુશ્મન દેશનું વિમાન આવે તો આસપાસના ખાડામાં સંતાઈ જતી. એવું આ વીરાંગનાઓ સન્માન સ્વીકારતા એકસૂરે જણાવે છે. ભુજ એરપોર્ટ રન-વે પટ્ટીને ૩૦૦ જેટલી મહિલાઓએ ખભેખભા મેળવી બનાવ્યો હતો અને બહુદારી અને વીરતાનું કામ કરી સમગ્ર દેશની મહિલાઓને ગૌરવ અપાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter