રણવિસ્તાર ધોરડોમાં વિશ્વકક્ષાનું સાંસ્કૃતિક મ્યુઝિયમ બનશે

Monday 07th November 2016 10:41 EST
 
 

ભુજ: રણ ઉત્સવને કારણે પ્રસિદ્ધ થઈ ગયેલા ધોરડો નજીક સિંધુ ખીણની સંસ્કૃતિને ઉજાગર કરતું વિશ્વ કક્ષાનું સંગ્રહાલય વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે હાથ મિલાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ધોળાવીરામાં આવું મ્યુઝિયમ ઊભું કરવા સૂચન કર્યું હતું. જોકે, પ્રવાસીઓની અવરજવરને ધ્યાનમાં રાખીને હવે આ મ્યુઝિયમ ધોરડોમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કચ્છ રણવિસ્તારમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ઉમટે છે જેમને આ મ્યુઝિયમ જોવાનો લાભ મળે એ હેતુથી ધોરડોના સફેદ રણ નજીક રાજ્ય સરકારે જમીન પણ અલગ ફાળવી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય સરકારના એક અધિકારીના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એવું સૂચન હતું કે, ભારતમાં એક એવું આગવું સંગ્રહાલય હોવું જોઈએ કે જેનાથી હવે પછીની પેઢીઓને આપણા સમૃદ્ધ વારસાનો ખ્યાલ આવે. આથી, સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે અને ગુજરાત સરકારે સાથે મળીને આવું સંગ્રહાલય કચ્છમાં વિકસાવવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ધોળાવીરાના મ્યુઝિયમને પણ ઇન્ટરનેટ થકી સાંકળી લેવામાં આવશે. જેથી જે પ્રવાસીઓ ત્યાં રૂબરૂ ન જઈ શકે તેમને પણ સિંધુ સંસ્કૃતિથી વાકેફ કરી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter