રાપર તાલુકાના મોટી હમીપર ગામમાં જૂની અદાવતમાં પાંચને રહેંસી નાખ્યા

Thursday 14th May 2020 15:44 EDT
 

રાપર: મોટી હમીપર ગામના વાડી વિસ્તારમાં ૧૦મી મેએ ભરબપોરે ગરમીમાં ૧૫ જણાંના ટોળાએ જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યોને રહેંસી નાંખ્યા હતા. દેશી દારૂનો ધંધાર્થી ધમો કોલી અને અખા જેસંગ ઉમટ વચ્ચે અગાઉ દારૂની બાતમી આપવાનો વહેમ રાખી ગામના જ કોળી અને રજપૂત જૂથો વચ્ચે અગાઉ બે ત્રણ વાર ઝગડો થયો હતો. એ પછી બંને પક્ષ વચ્ચે ૯મી મેએ જ સમાધાન પણ થયું હતું, પણ બીજા જ દિવસે એટલે કે ૧૦મી મેએ પાછી વાત વણસતાં બપોરના સમયે અખા ભાઈ રાજપૂત, તેમનો ભાઈ અને બનેવી અને બે પુત્રો સાથે પોતાની સ્કોર્પિયો ગાડીમાં આવી રહ્યાં હતાં ત્યારે વાડીના સાંકડા માર્ગ ઉપર ટ્રેક્ટર આડું રાખી ધમો કોળી અને ૧૫ જણાનું ટોળું તેમના પર ત્રાટક્યું હતું.
દેશી તમંચા, ધારિયા, ભાલા અને લાકડીથી માર મારતાં ટોળું તૂટી પડ્યું હતું. સ્કોર્પિયોમાં ૩૮ વર્ષીય અખા જેસંગ ઉમટ રજપૂત, ૩૦ વર્ષીય અમરા જેસંગ ઉમટ રજપૂત, ૧૮ વર્ષીય લાલા અખા ઉંમટ રજપૂત, ૩૭ વર્ષીય પેથા ભવન રાઠોડ ( અખા જેસંગનો બનેવી), ૩૭ વર્ષીય વેલા પાંચા ઉમટ સહિત ૭ જણા હતાં. જેમાં એક જ પરિવારના પિતા-પુત્ર, ભાઇ અને બનેવી સહિત પાંચના મૃત્યુ થયાં અને બે જણા ભાગી જતાં બચી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ એસપી પરીક્ષિતા રાઠોડ, ડીવાયએસ પી કે. જી. ઝાલા,રાપર સીપીઆઈ ઝાલા, પીઆઇ વસાવા સામખીયારી પીએસઆઇ પોલીસ સ્ટાફ, આડેસર પોલીસ સ્ટાફ,બાલાસર પીએસઆઇ પોલીસ સ્ટાફ, એલસીબી સ્ટાફ સહિતનો પોલીસ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
૨૦૦૧ બાદ બીજો મોટો હત્યાકાંડ
વાગડ પંથકમાં એકાદ બે હત્યાના તો અનેક બનાવો બનતા રહે છે, પણ વર્ષ-૨૦૦૧માં રાપરના સુરબાવાંઢમાં થયેલા ૯ હત્યાના બનાવ બાદ હમીપર ખાતે ખેલાયેલા ખૂની જંગમાં પાંચનાં મોત થતાં આ વિસ્તારનો બીજો મોટો હત્યાકાંડ બન્યો છે. આની વચ્ચે ખેડુકાવાંઢના કાના કોલીએ પીપરાળા ચેકપોસ્ટ પાસે ચારની હત્યા કરી હતી, તો વર્ષ-૨૦૧૧માં પડવાના દિવસે જ ધાડધ્રોમાં ત્રણ જણાના ખૂન કરી દેવાયાની ઘટના બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter