રાપરના દલિત વકીલના હત્યા પ્રકરણમાં અજંપાભરી સ્થિતિ

Monday 28th September 2020 06:26 EDT
 

ભુજ: રાપરના દેનાબેંક ચોક પાસે ૨૫મી સપ્ટેમ્બરે સાંજે ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. આ ઘટના પછી જિલ્લાભરમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. મૃતકની પત્નીએ નવ જણા સામે ફરિયાદ નોંધાવી હતી. એ પછી ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને પોલીસે જુદી જુદી ૧૦ ટીમો બનાવી હતી.
વકીલની હત્યા કેસમાં સીટની રચના કરાઈ
આ ઘટનામાં તટસ્થ તપાસ થાય તે માટે રેંજ આઈજી જે. આર. મોથલીયાના માર્ગદર્શન હેઠળ સીટની રચના કરાઈ છે. કન્વીનર તરીકે પૂર્વ કચ્છ એસપી મયૂર પાટિલ, તપાસનીશ અધિકારી તરીકે ડીવાયએસપી વી. આર. પટેલ, સભ્ય તરીકે પાટણના ડીવાયએસપી જે. ટી. સોનારા, રાપર સર્કલ પીઆઈ ડી. એમ. ઝાલા, રાપર પીએસઆઈ સી. બી. રાઠોડ, અંજાર પીએસઆઈ એમ. એમ. જોશીનો સમાવેશ થાય છે.
છ જણાની ધરપકડ
શનિવારે સાંજ સુધીમાં છ જણાને પકડી લેવાયા હતા. પકડી પડાયેલામાં જયસુખ લુહાર, ખીમજી લુહાર, ધવલ લુહાર, દેવુભા સોઢા, મયૂરસિંહ સોઢાનો સમાવેશ થાય છે. આ લોકોનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. આ ઉપરાંત મુંબઈની ક્રાઈમ બ્રાંચની ટીમે ભરત જ્યંતીલાલ રાવલ (રહે. પીપરાળા, જિલ્લો પાટણ)ને પકડી પાડયો હતો જેનો કબજો મુંબઈથી પોલીસે લીધો હતો. નવ જણા સામે ૩૦ર, ૧ર૦ (બી) તેમજ એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
કચ્છમાં અજંપાની સ્થિતિ
લુહાર સમાજ વાડીનો કેસ લેવા બાબતે આ મામલો બિચક્યો હતો. આ ઘટના બાદ રાપરમાં સતત અંજપાની સ્થિતિ જોવા મળે છે. શનિવારે સાંજે પણ દેખાવો વચ્ચે લોકો પોતપોતાની દુકાનો બંધ કરી હતી. રવિવારે નખત્રાણા-લખપત હાઈવે પર મંજલ ગામે હત્યાના વિરોધમાં પ્રદર્શન થયું હતું. જેમાં તરા મંજલ, મોરગર, પલીવાડ, સાંયરા, વિથોણ, ધાવડાના યુવાનો જોડાયા હતા. જ્યારે કચ્છના પ્રવેશ દ્વાર સમા સામખિયાળીમાં ચક્કાજામ કરીને દેખાવો કરાયા હતા જેને લઈને રસ્તે વાહનોની લાંબી લાઈનો લાગતાં વાહન ચાલકો પરેશાન બન્યા હતા.
રવિવારે ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરોએ એકઠા થઈ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત આડેસરાથી રાપર જતા હાઈવે પર લોકો એકત્ર થઈ ગયા હતા અને રસ્તા ઉપર ઉતરી આવીને ટાયરો સળગાવ્યા હતા પરિણામે પોલીસને દોડી આવવું પડયું હતું.
ઘટનામાં નિર્દોષનાં નામ ફરિયાદમાં હોવાના આક્ષેપ
ધારાશાસ્ત્રીની હત્યા કેસમાં નિર્દોષ વ્યક્તિઓને ન ફસાવવા માટે જુદા જુદા સમાજોના આગેવાનોની પણ બેઠક મળી હતી. સર્વે સમાજની મળેલી બેઠક બાદ પૂર્વ કચ્છના પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જણાવાયું હતું કે, હત્યાની ઘટના કલંક રૂપ છે. રપમીએ દેનાબેંક ચોકની બાજુમાં દેવજીભાઈ હત્યા થવા પામી છે. સીસીટીવી ફૂટેજમાં ફક્ત એક જ વ્યક્તિ દેખાય છે પરંતુ પોલીસ ફરિયાદમાં શહેરના પ્રતિષ્ઠિત રાજકીય પરિવારના વડીલ, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય જ્ઞાતિના ત્રણ યુવાનો સહિત ફૂટેજમાં દેખાતા લોકો સાથે અન્ય આઠ વ્યક્તિના નામ પણ છે જે યોગ્ય નાથી. આ બાબતે તપાસ કરવામાં આવે તે જરૂરી છે. આજની આ બેઠકમાં બળુભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, અનવરશા બાપુ સહિતના ઉપસ્થિત
રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter