ગાંધીધામ: દેશના રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે શાસક એનડીએના ઉમેદવાર હાલ બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે. કચ્છની બે કે ત્રણ વખતની મુલાકાત દરમિયાન તેઓએ ગાંધીધામની મુલાકાત પણ લીધી હતી. અહીંના કેટલાક શો-રૂમના કપડાં તેમની વિશેષ પસંદ છે. આજે પણ ગાંધીધામમાં તૈયાર કરાયેલાં કપડાં તાજેતરમાં જ તેમને બિહાર મોકલાયા હતા.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે કાર્યરત હતા તે દરમિયાન સામાજિક પ્રસંગોમાં તેમજ પાર્ટીના કાર્યક્રમમાં કચ્છની મુલાકાત દરમિયાન ગાંધીધામ આવ્યા હતા.
એસ. જીવરાજ કપડાંના શો-રૂમની મુલાકાત તેમણે લીધી હતી અને અહીંનાં કપડાંની બનાવટથી તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે ત્યાં કપડાં સિવડાવ્યા હતા. શો-રૂમના સંચાલકો ઘનશ્યામ ગોહિલ, ચંદુભાઈ ગોહિલ અને હર્ષદભાઈ ગોહિલ સાથે તેમણે એકાદ કલાક સુધી વાતો કરી હતી. તેમની સાથેની મુલાકાતને કોવિંદે એક સંયોગ લેખાવ્યો હતો. તેમને રાષ્ટ્રપતિપદ માટે એનડીએ દ્વારા ઉમેદવાર જાહેર કરાતાં કાપડના વેપારી બંધુઓએ અત્યંત ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે થોડા દિવસો પૂર્વે જ તેમન પસંદના બે જેકેટ બિહાર રાજભવનમાં મોકલાયા હતા.


