રુશી મીડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઅોની તેજસ્વી સફળતા: SSCનું ૧૦૦ ટકા પરિણામ હાંસલ

Tuesday 21st June 2016 12:37 EDT
 

ગુજરાતના ભૂજ નજીકના નાગોર ગામમાં ફરી એક વખત રુશી મીડ હાઈસ્કૂલમાં SSCનું પરિણામ ૧૦૦ ટકા હાંસલ થયુ છે. આ સફળતા માટે રુશી મીડ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ વતી ભાસ્કર સોલંકીએ યુકેના દાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "આપ સહુના ટેકા વિના આ બાળકોનું જીવન બદલવાનું શક્ય બન્યું ન હોત.”

બીબીસી ન્યુઝના સીનીયર પ્રોડ્યુસર, કેમેરામેન તેમજ ટ્રસ્ટી ભાસ્કરભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે "નાગોર ગામે રુશી મીડ સ્કૂલ બિલ્ડિંગના ઉદ્ઘાટનની દસમી વર્ષગાંઠ ૧૭ જુલાઈ ૨૦૧૬ના દિવસે ઉજવવાનું અમારું આયોજન છે. આ ઉજવણીમાં યુકેના લોકોને પણ હાજરી આપવાનું આમંત્રણ છે. આ શાળાને દસ વર્ષ થયા છે ત્યારે તેમાં કેટલાક સુધારાવધારા કરવાની જરૂર ઉભી થઈ છે. શાળાના બિલ્ડિંગના રંગરોગાન પાછળ આશરે ૫૦૦ પાઉન્ડ અને જૂના થયેલાં કોમ્પ્યુટરને બદલવા માટે આશરે ૩,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરવામાં આવશે.

રુશી મીડ ફાઉન્ડેશન યુકે અને ભારતમાં રજિસ્ટર્ડ થયેલી ચેરિટી સંસ્થા છે. ગુજરાતમાં ૨૦૦૧માં કચ્છ સહિત આવેલા વિનાશક ધરતીકંપના પગલે આ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ હતી. ફાઉન્ડેશનનો પ્રથમ પ્રોજેક્ટ ભૂજ નજીક નાગોર ગામમાં શાળાના નિર્માણનો હતો. માત્ર સાત છોકરી, એક શિક્ષક સાથે શાળાનો આરંભ એક નાના ખંડમાં ૨૦૦૪માં કરાયો હતો, જે પછી ત્રણ ક્લાસરુમ, સાયન્સ લેબ અને ૧૫ કોમ્પ્યુટર સાથે આઈટી વર્ગ સહિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું હતું.

સંસ્થાના તમામ ટ્રસ્ટીઝ વોલંટીયર તરીકે સેવાઅો આપે છે અને એડમીન કામ માટે કોઇ પગારદાર વ્યક્તિની નિમણુંક કરાઇ નથી. આમ એકત્ર કરાયેલ ભંડોળના ૯૭% રકમ સીધી સેવા કાર્યો માટે વપરાય છે.

૨૦૧૦માં ભૂજ જીલ્લાના આશાપુરા ખાતે ગરીબ પરિવારના લખી વાંચી નહિં શકતા લોકો માટે એક વર્ગ શરૂ કરાયો હતો. આ વર્ગ શરૂ થતાં ઘણાં બધા બાળકો શાળામાં શિક્ષણ લેતા થયા હતા. આ વર્ગની સફળતાના કારણે હવે સંસ્થા દ્વારા મોબાઇલ ક્લાસ રૂમ શરૂ થનાર છે, જેમાં એવા બાળકોને શિક્ષણ અપાશે જેમના માતા પિતા કામ માટે દૂર રહેવા જાય છે અને તેને કારણે બાળકનું શિક્ષણ અટકે છે. સંસ્થા દ્વારા પાકિસ્તાનમાં પણ બે વર્ગો શરૂ કરાયા છે.

સંસ્થાના આ અભિયાનમાં ડચેસ અોફ યોર્ક સારાહ ફર્ગ્યુસન મદદરૂપ થાય છે. જ્યારે બોલીવુડ અભિનેતા ગુલશન ગ્રોવર સંસ્થા માટે ફંડ એકત્ર કરવા છેક લેસ્ટર આવ્યા હતા. જેઅો બન્ને સંસ્થાના પેટ્રન છે. વધુ માહિતી અને દાન માટે જુઅો www.rusheymeadfoundation.com અથવા સંપર્ક: ભાસ્કર સોલંકી [email protected] અથવા [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter