રેલવે બજેટમાં કચ્છને શું મળ્યું

Friday 27th February 2015 07:38 EST
 

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ગત સપ્તાહે લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કચ્છ માટે કેટલીક જાહેરાત કરી છે. જેમાં ભૂજ-માંડવી વચ્ચે નવી રેલવે લાઈન માટે સર્વે કરવા રૂ. નવ લાખ ફાળવ્યા છે, આ પૈકી અમુક રકમ આ વર્ષના બજેટમાં આપતા માંડવીને રેલવે લાઈન મળે એવી ઉજ્જવળ શકયતા ઊભી થઈ છે. લાંબા સમયથી લટકતા એવા ભૂજ-નલિયાના ગેજ કન્વર્ઝનના પ્રશ્નને પણ રેલવે પ્રધાને હાથ પર લેતા તેમાં પણ હવે ગતિ આવશે. ભૂજથી બંદરીય શહેર માંડવીના અંદાજિત ૬૦ કિ.મી.ના અંતર માટે રેલવે દોડાવી શકાય તે માટે એન્જિનિયરિંગ કમ ટ્રાફિક સર્વે નો ખર્ચ રૂ. નવ લાખ થાય તેવો અંદાજ રેલવે મંત્રાલયે મુક્યો છે.

મહિલાઓની ભૂજથી વાઘા બોર્ડર સુધીની કેમલ સફારી

બોર્ડર સિક્યુરીટી ફોર્સ (બીએસએફ)ની પ૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે બીએસએફ તેમ જ ટીએસએએફ દ્વારા આયોજીત ધ ગ્રેટ ઈન્ડિયન વિમેન્સ ડેઝર્ટ સફારી (મહિલા કેમલ સફારી)નો ગત સપ્તાહે ભૂજમાં પ્રારંભ થયો હતો. ર૦ સભ્યોની બનેલી ગ્રેટ ઈન્ડિયન વિમેન ડેઝર્ટ સફારીને પ્રસ્થાન કરાવતા બીએસએફના ડી.જી.મહેશ સિંગરાએ જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રે મહિલાઓનો પુરુષ સમોવડું યોગદાન રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાંથી પણ પ્રેરણા લેવી જોઈએ. કચ્છના કોટેશ્વરથી માંડી પંજાબના વાઘા બોર્ડર સુધી બીએસએફની મહિલા કેમલ સફારી ર૦૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડશે જેમાં ર૦ મહિલાઓનો સમાવેશ કરાયો છે. 

કેન્યામાં સામત્રા લેવા પટેલ સમાજનું સેવાકાર્ય

કચ્છીઓ માત્ર વતનમાં જ સખાવત કરે છે એવું નથી. તેઓ કર્મભૂમિના વિકાસ માટે એટલી જ ઉદારતા દાખવે છે. સામત્રા લેવા પટેલ સમાજે કેન્યાના અનેક ગામની શાળોઓમાં વર્ગખંડના નિર્માણનું બીડું ઝડપ્યું છે. તાજેતરમાં ૨૧ વર્ગખંડોનું ઉદ્ધાટન થયું હતું. વકેથી, મ્વાન્ઝી, કાનજીપાડો, કરીમાઇના જેવા તદન અંતરિયાળ વિસ્તારોમાં અત્યંત ગરીબીમાં જીવતા વિદ્યાર્થીના સુવિધાપૂર્ણ શિક્ષણના સરકારી પ્રયાસોમાં પૂરક બનવાનું મિશન સામત્રા લેવા પટેલ હિન્દુ સમાજે શરૂ કર્યું છે.

અમેરિકાવાસી કચ્છી તબીબને એવોર્ડ

છેલ્લા ૪૨ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ડો. નવીનભાઇ મહેતાને તેમની અનેક સેવાકીય-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બદલ ધીરુભાઇ અંબાણી મેમોરિયલ એવોર્ડ જાહેર થયો છે. અમેરિકાના વિદ્યાભવનના ચેરમેન તરીકે એક કચ્છી છે તે ખુદ ડો. મહેતાએ કચ્છના કલાકારોને પણ આ વિદ્યાભવનમાં તક આપી છે. અગાઉ અમિતાભ બચ્ચનના પિતા કવિ હરિવંશરાય બચ્ચન અને દેવ આનંદ જેવા મોટા ગજાના કલાકારના કાર્યક્રમ વિદ્યાભવનમાં યોજાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter