લગ્નની સુવર્ણજયંતીએ દુષ્કાળગ્રસ્ત ગામ દત્તક લઈ લીધું

Wednesday 04th May 2016 07:36 EDT
 

ભુજઃ મહારાષ્ટ્રના દુષ્કાળે સર્જેલાં દૃશ્યો કાળજું કપાવનારા છે. આવું એક ગામ પાલઘર તાલુકાનું ટીપીનપાળા છે. સોએક ઘરની માંડ વસતી. બધા આદિવાસીઓ છે. કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓ આ ગામના સરપંચને મળ્યા ત્યારે જાણવા મળ્યું કે પાણીની તકલીફ તો છે જ એ સાથે ચામડી અને સ્ત્રીઓને લગતા રોગો પણ વકર્યા છે. એટલે સંસ્થાએ ગામને દત્તક લઈને પાણીની સગવડ ઊભી કરવા બોર બનાવવો, બે ટાંકી મૂકવી, પાઈપલાઈનથી ચાર-પાંચ નળનું જોડાણ આપવું અને ગાયનેક કેમ્પ કરવો, જેવી મદદ કરવાનો સંકલ્પ કર્યો. ગામની મુલાકાત લેનારા કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓમાં ટ્રસ્ટી તલકશીભાઈ ફરીઆ પણ હતા. તેમણે નિશ્ચય કર્યો કે પહેલી મેના રોજ લગ્નજીવનની ૫૦મી વર્ષગાંઠે કોઈ જલસો કર્યા વગર આ ગામમાં પાણીની સગવડ કરી આપવી.
એ માટે બોર, પાણીની બે ટાંકી, પાઈપલાઈન, નળ સહિતનો ખર્ચ આપી દેવો. ઘરદીઠ ચાર ઝાડ વાવી આપવાં. સ્ત્રી રોગનું વિશેષ પ્રમાણ છે એટલે ગાયનેક કેમ્પ કરવો. તેમના વિચારને તેમનાં પત્નીએ અને યુએસ નિવાસી દીકરી નિકુલાએ વધાવી લીધો અને મમ્મી-પપ્પાની ૫૦મી મેરેજ એનિવર્સરી પ્રસંગે આ પરિવારે દત્તક ગામ ટીપીનપાળામાં વિવિધ સદકાર્યો કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter