વખુમાની વિદાય સાથે અગરિયાઓના લોકગીતો પર જાણે પૂર્ણવિરામ!

Wednesday 22nd March 2017 09:02 EDT
 

ભૂજઃ પાટડીના રણકાંઠાના હિંમતપુરા ગામમાં બ્રિટિશ સમયના મીઠાના અગરના બનાવોનું વર્ણન કરતાં દુર્લભ લોકગીતોને હૈયાવગા કરી સાચવનાર વૃદ્ધ અગરિયા મહિલા વખુમાનું તાજેતરમાં અવસાન થતાં ઘણા બધાં દુર્લભ લોકગીતો હવે કોણ ગાઈને કચ્છી સંસ્કૃતિને સાચવશે એ વિચારવાનું રહે છે.
બ્રિટિશ સમયમાં મીઠાના અગરમાં મીઠાની બે ટ્રેન સામસામે અથડાતાં ઢોળાયેલું મીઠું માટીમાં ભળી ગયું હતું. તે સમયે ઉશ્કેરાયેલા બ્રિટિશરોએ મીઠું પાકતું એ વિસ્તારમાં બે દિવસનો કરફ્યુ લગાવ્યો હતો. તેનું વર્ણન કરતું દુર્લભ લોકગીત વખીમાને મોઢે હતું. અંગ્રેજ અધિકારી અને અનાથ યુવતીના પ્રેમના કરુણ અંજામને વાચા આપતા એક લોકગીત સાથે કેટલાય લોકગીત અને કથાઓ વખુમાને કંઠસ્થ હતાં. આમ તો આથી હવે અગરિયામાં લોકગીતોનું પ્રમાણ ખાસ્સું ઘટ્યું છે એમ સ્થાનિક યુવાન દલપતભાઈ કહે છે. જોકે વઢવાણના સ્વ. અરવિંદભાઈ આચાર્ય દ્વારા ભૂતકાળમાં અગરિયાના લોકગીતો સચવાય તેવા પ્રયત્નો થયા છે, પણ વખીમાને જેટલાં લોકગીત મોઢે હતાં તેટલા કોઈકને જ આવડતાં હશે.
હવે મીઠાનું કે તેના ઉત્પાદક અગરિયાઓનું ઊજળું ભવિષ્ય નથી એટલે ઘણા બીજા વ્યવસાયો તરફ વળ્યા હોવાથી અગરિયાઓને તેમના લોકગીતો ગાવાનો બહુ મહાવરો પણ રહ્યો નથી. એમ દલપતભાઈ કહે છે. જોકે જૂની પેઢીના વખુમા જેવા અગરિયા મહિલાઓના અવસાન પછી એ કાળના લોકગીત લગભગ ભૂંસાતા જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter