વર્ષે રૂ. ૫૦૦ કરોડનું ચૂકવણું કરતી સરહદ ડેરી કેશલેસ બની

Wednesday 11th January 2017 06:18 EST
 
 

અંજારઃ વાર્ષિક રૂ. ૫૦૦ કરોડનું ચૂકવણું કરતી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી હવે સંપૂર્ણપણે કેશલેસ પદ્ધતિથી ચાલતી થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેશલેસ વ્યવહારોને પ્રાધાન્ય આપવા વિવિધ યોજનાઓ અમલમાં આવી રહી છે. તેવી યોજનાઓને અનુસરતા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરીના દૂધ ઉત્પાદકોને દૂધના ચૂકવણાની તમામ રકમ બેંક મારફત સીધી પશુપાલકોના બેંક એકાઉન્ટમાં મળી રહેશે. તે માટે તમામ દૂધ ઉત્પાદકોના કુલ રૂ. ૨૫ હજારથી વધારે બેંક એકાઉન્ટ તાજેતરમાં ખોલાવી દેવાયા છે.
કેશલેસ પદ્ધતિને ફોલો કરતી આ યોજના પ્રમાણે સરહદ ડેરી દ્વારા દૂધમંડળીના બેંક ખાતામાં દૂધના જથ્થા મુજબ રકમનું ચૂકવણું કરાશે અને ત્યારબાદ જે તે મંડળી પશુપાલકના બેંક ખાતામાં દૂધના ચૂકવણાની રકમ એનઈએફટી - આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરશે. જે જગ્યાએ બેંકની વ્યવસ્થા નથી અથવા તો બેંક દૂર છે તેવી મંડળીઓ માટે માઈક્રો એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાશે. તેવું સરહદ ડેરીને ચેરમેન વાલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ ડેરી દ્વારા દરરોજ
રૂ. ૩,૨૫,૦૦૦ લાખ લિટર દૂધ એકત્ર થાય છે જે પેટે દરરોજ પશુપાલકોને રૂ. ૧.૨૫ કરોડ દૈનિક અને રૂ. ૪૦ કરોડ માસિક ચૂકવણું કરાય છે. પશુપાલકોને વાર્ષિક રૂ. ૫૦૦ કરોડ ચૂકવતી કચ્છની સંસ્થા એકમાત્ર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter