વિનાશમાંથી નવસર્જનઃ કચ્છી માડુઓને કોઈ ભૂકંપ ધ્રૂજાવી ન શકે

આનંદ પિલ્લાઈ Monday 25th January 2016 05:27 EST
 
 

એ ગોઝારો શુક્રવાર....
જાન્યુઆરી ૨૬,૨૦૦૧ની એ સવારે હું નિદ્રાધીન હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, અમદાવાદમાં મારી નોકરી હતી અને પ્રજાસત્તાક દિનની રજા હતી. મારે મોડી રાત સુધી ફરજ બજાવવાની હોવાથી સ્વાભાવિક રીતે મોડાં ઉઠવાનું રહેતું હતું. નિદ્રાધીન થયા પછી આસપાસની દુનિયાથી હું બેખબર બની જતો, પરંતુ એ શુક્રવાર અલગ જ હતો.
સવારના ૮.૪૬ કલાકે સમય થંભી ગયો અને સાથે હજારો જિંદગીના શ્વાસ પણ થંભી ગયાં. પ્રચંડ તીવ્રતા સાથે ત્રાટકેલી આફતની ગંભીરતા મને ત્યારે સમજાઈ જ ન હતી અને તેની કોઈ ચેતવણી પણ મળી નહિ. બોમ્બવિસ્ફોટ થયો હોય અને કાનના પડદા ફાડી નાખે તેવા અવાજથી મારી ઊંઘ ઉડી ગઈ. હું પથારીમાંથી ઉભો થયો તો મને છત લોલકની માફક હાલતી લાગી અને હું ધરતીકંપ ... ધરતીકંપની બૂમો પાડતો ઘરની બહાર સલામત સ્થળે દોડી આવ્યો. મારું ઘર ૧૫ સેકન્ડ સુધી ડોલતું રહ્યું. મને લાગ્યું કે તે હમણાં જમીનદોસ્ત થઈ જશે પરંતુ ઈશ્વરની દયાથી તે બચી ગયું.
આ ધરતીકંપ આવ્યાની મને જાણ હતી પરંતુ રિચર સ્કેલ પર તેની તીવ્રતા (૭.૬) કે વિનાશના પ્રમાણને હું અંદાજી શકતો ન હતો. હકીકત એ હતી કે ભૂકંપનું એપીસેન્ટર અમદાવાદ (મધ્ય ગુજરાત)થી ૨૫૫ કિમી.ના અંતરે ભુજ (નોર્થ-વેસ્ટ ગુજરાત) થી નજીક ભચાઉમાં હતું. ભુજ કચ્છ જિલ્લાનું વહીવટી વડું મથક છે.
સમગ્ર દેશ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે કચ્છ વિનાશકારી ધ્રૂજારીથી જમીનદોસ્ત થઈ ગયેલા મકાનોના કાટમાળમાં જીવતાં ધરબાઈ ગયેલાં હજારો લોકો માટે શોકાતુર હતું.
જાનમાલની તારાજી
• મહાવિનાશક ધરતીકંપના કારણે ગુજરાતમાં ૧૩,૮૦૫ લોકોએ જાન ગુમાવ્યા હતા, જેમાંથી કચ્છ જિલ્લામાં જ ૧૨,૦૦૦થી વધુના મોત થયા હતા. ભૂકંપથી આશરે બે લાખ મકાનો જમીનદોસ્ત થઈ ગયાં હતાં.
• અનેક નગરો અને આશરે ૮,૦૦૦ ગામડાંમાં વિનાશ વેરાયો હતો. લગભગ પાંચ લાખ લોકો ઘરબારવિહોણાં થઈ ગયા હતા.
• અમદાવાદ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું હતું.
• અંજારની સાંકડી શેરીઓમાં ગણતંત્ર દિનની કૂચમાં ભાગ લઈ રહેલાં શાળાના આશરે ૪૦૦ વિદ્યાર્થી મોતનો કોળિયો બની ગયાં હતાં. શેરીઓમાં બન્ને તરફથી મકાનો કડડભૂસ તૂટી પડતા બાળકોના કરૂણ મોત નીપજ્યાં હતાં.
• ધરતીકંપે સૌથી વધુ વિનાશ અંજારમાં વેર્યો હતો. આ ઉપરાંત, ભચાઉ, આદિપુર, ભુજ, ગાંધીધામ, માંડવી, રાપર અને માણાપરમાં પણ વિનાશ વેરાયો હતો.
કચ્છની વસ્તી
૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર કચ્છની વસ્તી ૨,૦૯૨,૩૭૧ હતી. ૨૦૦૧ની વસ્તી ગણતરીને જોઈએ તો ૨૦૦૧ના વર્ષમાં રણપ્રદેશના કચ્છ જિલ્લાની વસ્તી ૧,૫૮૩,૨૨૫ની હતી.
કચ્છનું અર્થતંત્ર અને વિકાસ
મોટાભાગે ઉજ્જડ કચ્છ જિલ્લામાં કેટલીક જમીન ફળદ્રૂપ પણ છે. કચ્છ જિલ્લો ખનીજથી સમૃદ્ધ છે. ૨૦૦૧ના ધરતીકંપ પછી કચ્છની સિકલ બદલાઈ ગઈ છે. કચ્છ જિલ્લાની સિકલ બદલવામાં સરકાર ઉપરાંત દરિયાપારના કચ્છી અને ગુજરાતી લોકોએ ભારે મદદ કરી છે. તદ્દન નવા માર્ગો એરપોર્ટ અને ટેક્ષ ફ્રી ઝોનથી આકર્ષાઈ સેંકડો બિઝનેસીસ અહીંયા આવ્યા છે અને અદાણી ગ્રૂપ, વેલ્સપન ગ્રૂપ, ગુજરાત અંજાન સિમેન્ટ લિમિટેડ, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન લિવર, પારલે, અજન્ટા અને યુરો ટાઇલ્સ, એલજી સહિત અનેક ઉદ્યોગોએ કચ્છમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં ૧,૧૦,૦૦૦થી વધુ રોજગારી પેદા કરી છે. આ પ્રદેશના લાંબાગાળાના આર્થિક વિકાસ માટે પણ સરકારે ટેક્ષ ફ્રી ઝોન ઊભા કર્યા છે. કચ્છ જિલ્લામાં ૧.૨ મિલિયન પાઉન્ડના ખર્ચે સોલાર અને સ્ટેલર ઓબ્ઝર્વેટરીઝ પ્રોજેક્ટને પણ સ્થાન અપાયું છે. મુંબઈ સાથે સારી રીતે જોડાયેલા ભુજને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળે એવી માંગણી બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) દ્વારા કરવામાં આવી છે. જેને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા સમર્થન અપાયું છે.
ધરતીકંપ પહેલાં મુંદ્રાનું માછીમારી બંદર ખારા જળનું છીછરું બંદર હતું હવે તે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે જેની માલિકી અદાણી ગ્રૂપની છે. તાતા ગ્રૂપે પણ મુંદ્રાના ટુંડા ગામે પાવર પ્લાન્ટ સ્થાપ્યો છે. ધરતીકંપ અગાઉ કચ્છમાં પાંચ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો હતા આજે તેની સંખ્યા વધીને ૧૦થી વધુ છે.
ભુજમાં નવું સ્વામીનારાયણ મંદિર
ધરતીકંપમાં ભારે નુકસાન પામેલા અને ૧૮૨૪માં નિર્મિત શ્રી સ્વામીનારાયણ મંદિરના સ્થાને રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નવું મંદિર નરનારાયણદેવ ગાદી હસ્તક બાંધવામાં આવ્યું છે, જેમાં આરસ અને સુવર્ણનો ઉપયોગ થયો છે. આ મંદિરના ૨૦૧૦માં ઉદ્ઘાટન સમારોહમાં યુકે અને આફ્રિકા સહિત વિશ્વમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી.
વિવિધ વિકાસકાર્યો છતાં કચ્છ અને ભુજ ધરતીકંપ માટે હજુ ભયગ્રસ્ત હોવાની ચેતવણી ભુસ્તરીય સંશોધન સંસ્થાએ આપી છે. દર વર્ષે ૧૫૦૦થી વધુ ધ્રુજારીઓ કચ્છ અનુભવે છે. છેક ૨૦૦૦થી આ જિલ્લામાં મેજર ફોલ્ટ સક્રીય થયા છે અને ભારે વસતીવાળા વિસ્તારોમાંથી તે પસાર થાય છે. ભૌગોલિક સ્થાન અને આબોહવાના કારણે કચ્છ જિલ્લો ધરતીકંપ, પૂર, વાવાઝોડા અને દુકાળનો ભોગ બને તેવું જોખમ રહે છે.
કચ્છના પનોતા પુત્રો
કચ્છની ધરતીએ અનેક પનોતા પુત્રો આપ્યાં છે, જેમણે ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું છે.
• આવી જ એક ભેટ વિશ્વના આઈટી બિઝનેસને અઝીમ પ્રેમજી સ્વરુપે પ્રાપ્ત થઈ છે. પરોપકારી અઝીમ પ્રેમજી વિપ્રો લિમિટેડના ચેરમેન છે. તેમણે પોતાની કંપનીના ૩૯ ટકા શેર (મૂલ્ય ૫૫૦.૫૮ મિલિયન પાઉન્ડ અથવા ૫૩,૨૮૪ કરોડ રૂપિયા સખાવત તરીકે અને વિશેષતઃ શૈક્ષણિક દાનમાં આપ્યા હતા. હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ અનુસાર મિ. પ્રેમજીને ૨૦૧૪ના સૌથી ઉદાર ભારતીય તરીકે ગણાવાયા છે.
• વર્ષો સુધી બોલીવુડના સંગીતવિશ્વ પર રાજ કરનારી મ્યુઝિક ડિરેક્ટર બેલડી કલ્યાણજી-આણંદજી પણ કચ્છની દેણ છે.
• આધુનિક હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શક મનાતા સંજય લીલા ભણસાલી પણ કચ્છની જ પેદાશ છે.
• બહુમુખી પ્રતિભા શ્યામજી કૃષ્ણ વર્મા પણ કચ્છના માંડવીના વતની હતા. સેઓ સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. તેઓ ધારાશાસ્ત્રી અને જર્નાલિસ્ટ પણ હતા, જેમણે લંડનમાં ઈન્ડિયન હોમ રુલ સોસાયટી, ઈન્ડિયા હાઉસ અને ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ગ્રૂપની સ્થાપના કરી હતી.
કચ્છીઓનો ઈતિહાસ
ઈતિહાસ કહે છે કે કચ્છના મૂળ નિવાસીઓ મારવાડ, સિંધ અને અફઘાનિસ્તાન જેવાં પડોશી દેશોમાંતી સ્થળાંતર કરીને આવ્યા હતા. અહીંના નિવાસી લોકોની જ્ઞાતિઓ અને જાતિઓમાં લોહાણા, ભાટિયા, કાપડી, જોડેજા, દરબાર, કાઠી, રાજપૂત, લેઉઆ પટેલ, બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, ખત્રી, રબારી, રાજગોર, શાહ, ભાનુશાલી, જૈન (દશા, વિશા, શ્રીમાળી અને ઓશવાલ), કચ્છ ગુર્જર ક્ષત્રિય, મિસ્ત્રી, ખારવા, વણકર, આહીર, મુસ્લિમ (મેમણ-ઈસ્માઈલી-ખોજા)નો સમાવેશ થાય છે. અહીં મુખ્યત્વે ગુજરાતી અને કચ્છી ભાષા બોલાય છે.
કચ્છી પટેલ સમુદાયનો ઈતિહાસ ૩૦૦-૪૦૦ વર્ષ જૂનો છે. એમ કહેવાય છે કે બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર પ્રદેશોમાં વસવાટ પછી ૧૭૪૦માં તેઓ કચ્છ આવ્યા હતા. લેઉઆ પટેલ અંજાર, ભચાઉ અને રાપરમાં સ્થાયી થયા હતા. આ સમયગાળામાં કડવા પટેલ સમુદાયના લોકો પણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાંથી સ્થળાંતર કરી અંજાર, લખપત, નખત્રાણા અને ભુજમાં રહેવા લાગ્યા હતા. તેઓ કચ્છના કુલ ૧૪૨ ગામમાં વસવાટ કરતા હતા.
શરૂઆતમાં પટેલો જળમાર્ગે આફ્રિકા પહોંચ્યા અને તેમાંના કેટલાકે જયરામ શિવજીને ત્યાં તો કેટલાકે અલાદીના વિશરામ (મુન્દ્રા,કચ્છના વતની)ની મટીરિયલ્સ એન્ડ વોટર ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી સ્વીકારી હતી. તેમની મુખ્ય કામગીરી માંચડા બાંધવાની હતી. આગળ જતાં આ લોકોએ બાંધકામ ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.
રસપ્રદ બાબત એ છે કે કચ્છી પટેલોએ ૧૮૯૬માં મોમ્બાસાથી કંપાલા-યુગાન્ડા રેલવે લાઈનના બાંધકામમાં મહેનતભર્યું કામ કર્યું હતું. આ વખતે ઘણા પટેલો જંગબાર (ઝાંઝીબાર)થી મોમ્બાસા આવ્યા હતા. કચ્છમાં ભારે દુકાળના પરિણામે મોટી સંખ્યામાં કચ્છી લોકો આફ્રિકા ગયા હતા અને તેમાંથી કેટલાક ૧૮૯૯-૧૯૦૦ના કાળમાં પાકિસ્તાન તરફ ગયા હતા.
સ્વાહિલીવાલા તરીકે ઓળખાતા શામજીભાઈ પટેલે અલાદિના વિશરામને ત્યાં ૧૨ વર્ષ નોકરી કરી નાની હોડીમાં માંડવી તરફ પ્રયાણ કર્યું હતું. આ પ્રવાસમાં તેમને બે મહિના લાગ્યા હતા. આ પછી તેઓ કચ્છથી ખેતીના સાધનો લેતા ગયા હતા અને મોગાડીશુ-સોમાલિલેન્ડમાં તેમણે શાકભાજી અને ફળોની ખેતી શરૂ કરી હતી.
કચ્છી લેઉવા પટેલો મોટાભાગે મોમ્બાસા, નાઈરોબી અને નાકુરુમાં સ્થાયી થયા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી લેઉવા પટેલો સોમાલિયા, યુગાન્ડા, ટાન્ગાન્યીકા, કોંગો અને રવાન્ડા સ્થળાંતર કરી ગયા હતા. આ કોમ્યુનિટીએ કંપાલામાં મુખ્ય રેલવે સ્ટેશન બાંધ્યું હતું અને નાઈરોબીમાં ગગનચૂંબી ઈમારતો પણ બાંધી હતી. આવી ઈમારતોના બાંધકામમાં લક્ષ્મણ કન્સ્ટ્રક્શન અગ્રેસર હતી. સમગ્ર આફ્રિકામાં સિમેન્ટના સૌથી મોટા ઉત્પાદક (મોમ્બાસા સિમેન્ટ) પણ કચ્છી પટેલ (સ્વ. કેશુભાઈ ભુડિયા) હતા. આજે તેનું સંચાલન હસમુખ કાનજી ભુડિયા હસ્તક છે.
૧૯૬૦-૭૦ના સમયગાળામાં કચ્છી પટેલોએ યુકે, યુરોપ અને યુએસ તરફ સ્થળાંતર કર્યું હતું. જાદવા નારાયણભાઈ વેકરિયા (બળદિયા) સૌપ્રથમ યુરોપમાં શિક્ષણ લેવા જનારા પટેલ હતા. આ પછી હરીશભાઈ ગોવિંદ હાલાઈ, ખીમજી લાલજી ભારપરિયા અને કાનજી ગગનજી હાલાઈ (માધાપર) ૧૯૫૨માં અહીં આવ્યા હતા. આ પછી નારણપુરાના કરશન હરજી હાલાઈ (૧૯૫૯), બળદિયાના લક્ષ્મણ રામજી અને નારાયણ કરશન વેકરિયા (૧૯૬૦) તેમજ માધાપરના શામજી સીમજી, જાદવ લાલજી પિંડોરીઆ, હરજી યાદવ, લાલજી વેલજી અને માંડવીથી શિવજી અંબા, સમાત્રાના કુંવરજી મૂરજુ વરસાણી (૧૯૬૩)એ યુકેમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
ડાયસ્પોરા
ઘણા કચ્છીઓએ ભારતમાં ૧૮૫૦થી ૧૯૪૦ના દાયકાઓના બ્રિટિશ શાસનકાળમાં કચ્છ છોડીને કોલકતા, મુંબઈ અને હૈદરાબાદ સ્થળાંતર કર્યું હતું. ઘણા લોકો પડોશના રાજ્યો રાજસ્તાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ સ્થાયી થયા હતા. ઘણા કચ્છીઓ ઈસ્ટ આફ્રિકા, ફિજી અને અન્ય બ્રિટિશ સંસ્થાનોમાં સ્થળાંતર કરી ગયા હતા અને ત્યાંથી યુકે, યુએસ, કેનેડા તથા અન્ય દેશોમાં વસવાટ કરવા ગયા હતા. કચ્છી લેઉઆ પટેલનો નોંધપાત્ર સમુદાય કેન્યા, યુએઈ, યુકે અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. અહીં તેઓએ કોમ્યુનિટી સેન્ટર્સ અને ભૂજ ટેમ્પલ, કચ્છના નેજા હેઠળના સ્વામીનારાયણ મંદિરોની પણ સ્થાપના કરી છે. ભારતની બહાર રહેતા ઈમિગ્રન્ટ કચ્છીઓની સૌથી વધુ વસ્તી પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ફિજી, કેનેડા, યુએસ, ઓમાન અને યુકે જેવા દેશોમાં જોવા મળે છે.
બ્રિટિશ કચ્છીઓ
કચ્છી લોકો નસીબ અજમાવવા અને સમૃદ્ધિ મેળવવા દેશાવર જવાના કારણે યુકેમાં આજે કચ્છીઓની ચોથી કે પાંચમી પેઢી અસ્તિત્વ ધરાવે છે. મોટા ભાગની આ પેઢીઓ ઈસ્ટ આફ્રિકા અને અન્ય દેશોમાં સખત મહેનત કર્યા પછી આખરે યુકેમાં સ્થાયી થયેલ છે. એ તો નિર્વિવાદ છે કે તેઓ હૃદય અને સંસ્કૃતિથી હંમેશા કચ્છી જ રહ્યા છે અને તેમને પોતાની ભાવિ પેઢીઓમાં આ મૂલ્યોનું સિંચન કર્યું છે. કચ્છીઓ બિઝનેસ અને વેપારમાં આગળ રહ્યા છે એટલું જ નહિ, બ્રિટિશ રાજકારણ અને સિવિલ સર્વિસીસમાં પણ તેમણે નામના મેળવી છે. ઉદાહરણ જોઈએ તો, હેરોમાં કન્ઝર્વેટિવ કાઉન્સિલર માનજીભાઈ કારાએ તેમના સારા કાર્યો બદલ નામના હાંસલ કરી છે. ભીમજીભાઈ વેકરિયા મેટ્રોપોલીટન પોલીસ હિન્દુ એસોસિયેશનના ચેરમેન હોવા ઉપરાંત, ન્યૂ સ્કોટલેન્ડ યાર્ડના ડિટેક્ટિવ કોન્સ્ટેબલ પણ છે.
ધ ભાટિયા એડવન્ચરર્સ
મૂળ માંડવી - કચ્છના ભાટિયા જેરામ શિવજીએ ૧૮મી સદીમાં ઓમાન અને ઝાંઝીબાર પ્રયાણ કર્યું હતું જ્યાં તેમણે બેંકોનું સંચાલન હાથ ધર્યું હતું. કચ્છી ભાટિયાઓ ૧૮મી અને ૧૯મી સદીમાં માંડવી, મુંદ્રા, મુંબઈ, મસ્કત અને ઝાંઝીબારમાં ટ્રેડિંગ અને બેંકીગ બિઝનેસ ચલાવતા હતા. યુરોપિયન બિઝનેસમેનો પણ આ કચ્છી બેંકર-મર્ચન્ટ્સ પર આધાર રાખવો પડતો હતો. જેરામ શિવજીનું ૧૮૬૭માં અવસાન થયું હતું. ઓમાનના સુલતાને તેમની પાસેથી ૬૦૦,૦૦૦ ડોલર ઉધાર લીધા હતા. જોકે પોલિટિકલ એજન્ટ જ્હોન કર્કની મધ્યસ્થીથી આ દેવું ઘટાડીને ૨૦૦,૦૦૦ ડોલર કરાયું હતું જેની સંપૂર્ણ ચૂકવણી થઈ હતી.
મૂળ વેપારપ્રેમી ભાટિયા સમુદાય માંડવી, મુંદ્રા, વેરાવળ, ઘોઘા, પોરબંદર અને સુરતના કાંઠા પ્રદેશોમાં સ્થાયી થયો હતો. ભાટિયા મૂળતઃ રાજપૂત ક્ષત્રિય હોવાના મનાય છે અને તેના શાણપણ માટે જાણીતા છે તેઓ વૈષ્ણવ સંપ્રદાય તરફ ઝોક ધરાવે છે. ભાટિયા લોકોના ઉષ્માસભર વ્યવહારથી પ્રભાવિત ઓમાનના સુલતાને ઓમાન-મસ્કતમાં શ્રીનાથજીનું નગર બંધાવ્યું હતું આ પછી તેની પ્રતિકૃતિ દુબઈમાં પણ તૈયાર કરાઈ હતી.
ખીમજી રામદાસ
ભાટિયા ટાયકૂન ખીમજી રામદાસના પરિવારે પણ ઓમાનમાં પોતાની વગ વધારી હતી. આજે ખીમજી રામદાસ ગ્રૂપે ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેલીકોમ્યુનિકેશન્સ, રીટેઈલિંગ, ડિઝાઇનર ઘડિયાળ, લકઝરી લાઈફ સ્ટાઈલ એસેસરિઝ, આંતરરાષ્ટ્રીય રેસ્ટોરાં ચેઇન્સ, સુપર માર્કેટ રિટેઇલ ચેઇન્સ, કોમોડિટીસ, ખાદ્યપદાર્થો, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થ કેર, કીચન અને હોમ એમ્લાયન્સીસ, બાંધકામ સામગ્રી, પેઇન્ટ ઉત્પાદન, શિપીંગ એજન્સીઝ, ફ્રેઈટ એન્ડ ફોરવર્ડીંગ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરીઝ એન્ડ ટુલ્સ, ઓઈલ એન્ડ ગેસ વગેરે ક્ષેત્રોમાં પગ પેસારો કર્યો છે. આવા વિશાળ ગ્રૂપના ચેરમેન કનકસિંહજી ખીમજી છે. તેમને સુલતાને ‘શેખ’નું બિરુદ આપ્યું છે. મસ્કતમાં અન્ય મોટા ગજાના ઉદ્યોગપતિ ધરમસિંહ નેનસિંહ ટોપરાણી છે.
ચંદુભાઈ મટાણી
મૂળ માંડવીના ભાટિયા ચંદુભાઈ મટાણીએ લેસ્ટરમાં ‘સોનારૂપા’ સાડીનો હોલસેલ અને રીટેઈલ બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓ પહેલાં માલાવી અને ત્યારપછી નોર્ધન રહોડેશિયા ગયા હતા અને અંડોલામાં સ્થાયી થયાં હતાં. આ પછી તેઓ મુફિલીરા ગયા અને આખરે યુકેના લેસ્ટરમાં સ્થાયી થયા છે. સંગીતપ્રેમી ચંદુભાઈએ ભારતીય શાસ્ત્રીય સંગીતને ઉત્તેજન આપવા ‘શ્રૃતિ આર્ટ્સ’ની સ્થાપના કરી હતી અને તેમણે આ સાથે અનેક શાસ્ત્રીય સંગીતકારોને એક મંચ પૂરું પાડ્યું છે.
યુકેમાં નામાંકિત કચ્છી બિઝનેસમેન
• લેક્સકોન કન્સ્ટ્રક્શન- લક્ષ્મણભાઈ કન્સ્ટ્રક્શન લિમિટેડે યુકે, કેન્યા સેસાલ તેમજ ભારતમાં પોતાની પાંખો પ્રસારી છે. આ કંપનીના સ્થાપક લક્ષ્મણભાઈ રાઘવાણી હતા. કંપનીનું સંચાલન કલ્યાણભાઈ રાઘવાણી, નારણભાઈ રાઘવાણી અને હરિશભાઈ રાઘવાણી હસ્તક છે.
• વાસક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ- ડિરેક્ટર્સ શશીભાઈ વેકરિયા, સ્વ. અરજણભાઈ વેકરિયા અને મિતેશ વેકરિયા
• કિંગ્સ કિચન લિમિટેડ- મનુભાઈ રામજી, ડિરેક્ટર
• એમપી બ્રધર્સ- સુરેશ રાબડિયા
• ટફ ગ્લેઝ- ભરતભાઈ અને અશોકભાઈ વરસાણી
• સુપર ટફન્ડ ગ્લાસ- કરસનભાઈ અને દેવજીભાઈ મેઘાણી
• ક્રિસ્ટલ યુનિટ- પંકજભાઈ અને વિજયભાઈ
• એમેજિંગ ટાઈલ્સ- ગોવિંદભાઈ કેરાઈ
• કેન્ફોર્ડ- માવજીભાઈ વેકરિયા
• જયસામ કોન્ટ્રાક્ટર્સ- શામજીભાઈ પટેલ (દેબાસિઆ)
• ઈલેકમેક- પુરુષોત્તમભાઈ ગામી
• દુર્ગા ટિમ્બર- શાંતિભાઈ
• સ્ટેફિક્સ- દેવશીભાઈ
• કિંગ્સબરી કન્સ્ટ્રક્શન- અરજણભાઈ વરસાણી
• રો ગ્રીન કન્સ્ટ્રક્શન- પ્રતાપભાઈ અને દિનેશભાઈ
• એકર કન્સ્ટ્રક્શન - પ્રવીણભાઈ જેસાણી
• ઈન્ટિરિયર લિમિ.- નાનજી જસાણી, દેવેન્દ્ર જસાણી
• કે પી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન- દેવાજી કરસન માયાણી અને મનસુખ માયાણી
• યુરો ડિલક્સ- ગોવિંદભાઈ રાઘવાણી
• પિંડોરીઆ એસોસિયેશન લિમિ.- ખીમજી પિંડોરીઆ
• હાલે બિલ્ડર્સ મર્ચન્ટ- નાથાભાઈ હાલાઈ
• ઈન ટોટો કિચન્સ- શાંતિલાલ મુળજી પાંચાણી
• વેધરવેલ લિમિ.- ડી. કારા
• સલોરીઆ આર્કિટેક્ટ- લાલજીભાઈ સલોરીઆ
• પ્રોટોપ્રિન્ટ- નરેશભાઈ રાઘવાણી
• પરફેક્ટ ડબલ ગ્લેઝ- જાદવજી, અશોકભાઈ, દિપકભાઈ
• પ્રિઝ્મા વિન્ડોઝ- જીતુભાઈ હાલાઈ
• ક્રિકલવૂડ ટિમ્બર- વિજય કારા
• વેસ્પા ડબલ ગ્લેઝિંગ- હીરજીભાઈ
• મીરા કેટરિંગ- નરેન્દ્રભાઈ
• ચાંદની સ્વીટ માર્ટ- લાલાજી કારા અને પ્રવીણ કારા
• એસ કે પાણીપૂરી એન્ડ કેટરિંગ- કિશોરભાઈ ટાંક
• ઓમ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ લિમિ.- પ્રવીણભાઈ અને દિનેશભાઈ વરસાણી
• ટ્વિનસ્ટાર લોજિસ્ટિક્સ લિમિ.- નરેન્દ્ર કુંવરજી
• કે એન્ડ કે બિલ્ડર્સ- વિનોદભાઈ અને પ્રવીણભાઈ ગજપરીઆ
• કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજ- હીરજીભાઈ કુંવરજી
• કેરાઈ કન્સ્ટ્રક્શન લિમિ.- રસિક અને પ્રવીણ કેરાઈ અને હીરાજી વાગજિયાની
• પિંડોરીઆ સોલિસિટર્સ.- ભરતભાઈ પિંડોરીઆ
• શેને લિમિ.- રાવજીભાઈ હિરાણી
• નીસડન હાર્ડવેર- કરસનભાઈ વરસાણી (કેરા)
• હેન્ડોન ફ્રૂટ એન્ડ વેજ- દેવજીભાઈ
• વેસ્ટ હેન્ડોન ફ્રૂટ એન્ડ વેજ- નાનજીભાઈ અસાણી
• નેશનલ સિક્યુરિટી સિસ્ટમ્સ ગ્રૂપ- દિનેશ નારણ
• ઈકો પેકેજિંગ- રાકેશ સિયાની
• ABC ડેપો- પ્રકાશ પટેલ
• KBMD ચાર્ટર્ડ એ/સી- કુંવરજી પટેલ
• યુરોકેન- વિનોદ હાલાઈ
• બર્ન્ટ ઓક બિલ્ડિંગ મટીરિયલ્સ- લખુભાઈ
• ફોરવેઝ ઈન્ટિરિયર્સ- કુરજી કરસન વરસાણી
• કિંગ્સબરી બિલ્ડર્સ લિમિ.- અરજણ ભુડિયા
• સુપર ટફન્ડ ગ્લાસ- દેવ મેઘાણી
• સો એન્ડ રીપ- સુરેશ વાગજિયાની
• પરફેક્ટ ગ્લેઝ- અશોક ભુડિયા
• કેવેલ લિમિ.- જિતુ વેકરિયા
• પરફોર્મન્સ બિલ્ડિંગ સર્વિસીસ લિમિ.- દિપેન ભુડિયા
• ઈનડિઝાઈન- ધનજી ભુડિયા
• ઈન્ટરફાર્મ- અશોક પટેલ
• ઓલ બીઝ- દિનેશ/ જય પટેલ
• KDB ડિઝાઈન લિમિ.- કિશ ભુડિયા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter