ધોળાવીરા (કચ્છ)ઃ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
નિષ્ણાતોના મતે આ વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ છે. જોકે આ બોર્ડના શબ્દો આજદિન સુધી વણઉકેલ છે અને અનેક દેશોના તજજ્ઞો એના પર મંથન કરી રહ્યા છે. આ બોર્ડને જમીનમાંથી બહાર કાઢવું લગભગ અશક્ય હોવાથી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ) દ્વારા નોર્થ ગેટ પાસે મળેલા આ સાઈન બોર્ડને ત્યાં જ માટીથી ફરી ઢાંકીને સુરક્ષિત કરી દેવાયું હતું! જોકે તાજેતરમાં માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ધોળાવીરાની મુલાકાતે આવ્યા ત્યારે એએસઆઇના પુરાતત્વવિદો દ્વારા 23 વર્ષ બાદ ફરી ઉત્ખનન કરીને આ સાઇનબોર્ડ જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
હવે સાઇનબોર્ડને કાચની પેટીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે, જેથી આ ઐતિહાસિક સાઇટની મુલાકાત લેનારા પ્રવાસીઓ પણ અહીંની સૌથી મોટી શોધ એવા અસલ સાઇનબોર્ડને જોઈ શકશે!
બોર્ડમાં દસ મોટા અક્ષરો
આ સાઇનબોર્ડમાં હડપ્પા લિપિના દસ મોટા અક્ષરો છે. દરેક અક્ષર 37 સેમી ઊંચાઈ અને 25-27 સેમી પહોળાઈ ધરાવે છે અને સફેદ જિપ્સમ સામગ્રીના કાપેલા ટુકડાઓમાંથી બનાવવામાં આવ્યા છે. આ અક્ષરો હડપ્પા લોકોની કલાત્મકતા અને તકનીકી કુશળતાનું એક અસાધારણ ઉદાહરણ છે. સ્થાનિક માટી, રક્ષણાત્મક જીઓ-ટેક્સટાઇલ શીટ્સના સ્તરો અને રેતી અને માટીના મિશ્રણથી ફરી તે 2002થી સુરક્ષિત છે.