વેપારીના અપહરણનો ભેજાબાજ નાગપુરથી ઝડપાયો

Monday 08th February 2021 04:51 EST
 

ગાંધીધામઃ શહેરના સેક્ટર-૩ વિસ્તારમાં રહેતા વેપારીનું પાંચ અજાણ્યાઓએ તાજેતરમાં કારમાં અપહરણ કર્યું હતું અને તેઓને રાજસ્થાન લઈ ગયા હતા. ત્યાર બાદ વેપારી મારફતે અન્ય વ્યક્તિ પાસેથી રૂ. ૩૫ લાખની ખંડણી વસૂલ કરી હતી. આ ચર્ચાસ્પદ બનાવમાં એટીએસની ટીમે ચારને ઝડપી પાડ્યા હતા, પરંતુ મુખ્ય ભેજાબાજ પકડથી દૂર રહ્યો હતો. તેવામાં નાગપુરની બેલતરોડી પોલીસે મુખ્ય ભેજાબાજને પકડી પાડી તેની પાસેથી રૂ. ૨૨ લાખ રોકડ કબજે કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ૧૯-૧-૨૧ના ગાંધીધામના વેપારી મુકેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલનું પાંચ અજાણ્યા લોકોએ કારમાં અપહરણ કર્યું હતું. વેપારીને રાજસ્થાનમાં જુદા જુદા સ્થળોએ લઈ જઈ રૂ. ૩ કરોડની ખંડણી માગી હતી. આરોપી સુરેશ ઓમપ્રકાશ સોની, રાકેશ સોની, ત્રિલોક ઓમપ્રકાશસિંઘ ચૌહાણ અને સંદીપ છાજુસિંગની ધરપકડ કરાઈ હતી. પકાયેલા ચારેય આરોપીને ૮ દિવસના રિમાન્ડ પર મોકલી દેવાનો આદેશ કર્યો હતો.

પોલીસે મુખ્ય આરોપી મનોજ નંદકિશોર વ્યાસને ઝડપી પાડવા કવાયત આદરી હતી. દરમિયાન નાગપુરની બોલતરોડી પોલીસે ફિલ્મીઢબે ઓપરેશન પાર પાડી આરોપી મનોજને ઝડપી પાડ્યો હતો આ અંગે પૂર્વ કચ્છ એસપી મયૂરી પાટિલે બનાવને સમર્થન આપીને જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી મનોજનો કબજો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter