સંક્ષિપ્ત સમાચાર (કચ્છ-ઉત્તર ગુજરાત)

Wednesday 18th March 2020 06:36 EDT
 

• સગીરા અપહરણ - દુષ્કર્મમાં ૧૦ વર્ષ કેદઃ ૨૦૧૭માં ૧૫.૫ વર્ષની સગીરાને ફોસલાવીને તેના અપહરણ બાદ તેની પર બળાત્કારના કેસમાં પોકસો ધારાની અદાલતે નખત્રાણાના મિલન આમદ જતને ૧૩મી માર્ચે દોષી ઠેરવીને તેને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ચુકાદામાં દોષીને રૂ. ૬૦ હજારનો દંડ પણ કરાયો છે.
• રણોત્સવમાં ૨ વર્ષમાં ૯.૫૪ લાખ પ્રવાસીઃ છેલ્લા બે વર્ષમાં રણોત્સવમાં કુલ ૯.૫૪ લાખ પ્રવાસીઓ આવ્યા હોવાની માહિતી રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં ૧૩મી માર્ચે રજૂ કરી છે. કોંગ્રેસી નેતા શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં પ્રવાસન પ્રધાને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં ૫.૧૬ લાખ અને વર્ષ ૨૦૧૯માં ૪.૩૮ લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ પૈકી બે વર્ષમાં કુલ ૧૨૬૪૩ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. રણોત્સવમાંથી રાજ્ય સરકારને બે વર્ષમાં કુલ રૂ. ૫.૦૧ કરોડની આવક થઇ હોવાનું પણ સરકારે જણાવ્યું હતું.
• અફીણની ખેતી કરતા ખેડૂતની ધરપકડઃ હારિજ તાલુકાના પીપલાણા ગામમાં દેવરાજજી સરતાનજી ઠાકોરે અંદાજે ૩ વીઘાના ખેતરમાં મકાઈ, બાજરી, ઘઉં અને રજકાના વાવેતરની આડમાં અફીણની ગેરકાયદે ખેતીની માહિતી પાટણ એસઓજીને મળતાં દેવરાજજીની ૧૬મીએ ધરપકડ કરી હતી. દેવરાજજીનાં ખેતરમાંથી રૂ. ૩.૮૫ લાખના ૩૮ કિલોથી વધુ કુલ ૧૨૩૨ છોડ જપ્ત કરાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter