સચ્ચિદાનંદ મંદિરમાં ધનતેરસે ગાય-બળદનાં શિંગડા સિંદૂરી રંગાયા

Wednesday 14th November 2018 06:09 EST
 
 

અંજાર: વર્ષો જૂની પરંપરા મુજબ અંજારમાં માલધારીઓ દ્વારા અંજારમાં ધનતેરસે ગાયોનું પૂજન કરાયું હતું. જેમાં સિંદૂર તથા અન્ય કલરથી ગૌવંશના શિંગડા રંગવામાં આવ્યા હતા. અંજારના સચ્ચિદાનંદ મંદિરની ગૌશાળામાં ગાયોનું પુજન મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા કરાયું હતુ. પશુઓના શિંગડાઓને પરંપરા મુજબ સિંદુરથી અથવા અન્ય રંગોથી રંગવામાં આવ્યા હતા. તેમજ કપાળે ચાંદલા કરીને ગાયમાતાની આરતી ઉતારીને મિષ્ટાન પણ ખવડાવવામાં આવ્યું હતું. ભારતમાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તેની માતા તરીકે પુજા કરવામાં આવે છે. ધનતેરસના આ પાવન પર્વમાં માત્ર હિંદુ સમાજના જ નહી પણ અન્ય સમાજના લોકો પણ ગાયોના શિંગડા રંગતા હોય છે, અને તેમની પુજા કરે છે. ખેડૂતો સવારે બળદના શિંગડાને રંગે છે અને ધનતેરસ, કાળી ચોૈદશ તેમજ દિવાળી આમ ત્રણ દિવસ માટે બળદને આરામ આપે છે.
રાધાને મનાવવા કૃષ્ણ બન્યા હતા શામળી સખી
અંજારમાં આવેલા સચ્ચિદાનંદ મંદિરે કાળીચૌદશની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં ૨૦૦થી વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણને સ્ત્રીરૂપના શણગાર કરવામાં આવે છે અને આ મનોરમ્ય રૂપને શામળીસખીના નામે ઓળખવામાં આવે છે.
કાળીચૌદશના દિવસે કચ્છમાં અંજારમાં અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાનને શામળીસખીનું રૂપ આપવામાં આવ્યું હતું. આ અનોખા અને નયનરમ્ય દૃશ્યને જોવા માટે મુંબઈ સહિત કચ્છભરમાંથી ભાવિકો ઉમટી પડયા હતા. અંજાર એક ઐતિહાસિક શહેર તરીકેની ઓળખ ધરાવે છે. અહીં ધૂળેટીના દિવસે પણ ઈશાકચંદના લગ્ન ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
તો આ જ રીતે છેલ્લા બે સૈકાથી ચાલી આવતી પરંપરાને સાચવીને કૃષ્ણને અનોખું રૂપ આપવામાં આવે છે. આ પરંપરા પાછળ એક લોકવાયકા પણ પ્રખ્યાત છે. કોઈ કારણોસર જ્યારે રાધાજી રિસાઈ જાય છે ત્યારે તેમને રિઝવવા માટે નટખટ કૃષ્ણ શામળીસખીનું રૂપ ધારણ કરે છે. અને તે દિવસ કાળીચૌદશનો હોવાથી તેને આજે પણ જીવંત રાખવામાં આવ્યો છે. તો આ પરંપરા સમગ્ર ગુજરાતમાં અંજાર સિવાય ક્યાંય પણ જોવા મળતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter