૯૦ પ્રજ્ઞાચક્ષુના ઇશારે ગાડીઓ દોડી

Wednesday 03rd August 2016 07:13 EDT
 

આંતરરાષ્ટ્રીય સંસ્થા રાઉન્ડ ટેબલની કચ્છની શાખા દ્વારા ગરીબ બાળકોના શિક્ષણ માટેના શુભ હેતુથી ૨૪મી જુલાઈએ કચ્છમાં સૌપ્રથમ વખત બ્લાઇન્ડ મેન કાર રેલીનું આયોજન કરાયું હતું. આ કાર રેલીના આયોજન થકી ૯૦ જેટલા પ્રજ્ઞાચક્ષુઓ કારચાલકને રેલીના રૂટ તરફ દોરી ગયા હતા.

• વોંધમાં નવનિર્મિત શાળાનું લોકાર્પણઃ વોંધ ગામે ભૂકંપમાં નાશ પામેલી કુમારશાળાનું રાજ્ય સરકારની ગ્રાંટમાંથી રૂ. ૯૨ લાખના ખર્ચે નવનિર્માણ થતાં તેનું ૩૧મીએ લોકાર્પણ કરાયું હતું.

• માંડવીમાં વિકાસકામો માટે રૂ. ૧. ૧૮ કરોડ મંજૂરઃ માંડવીના નગરસેવા સદનમાં ૩૦મી જુલાઈએ મળેલી સામાન્ય સભાએ રૂ. ૧૧.૭૧ કરોડની આવક-ખર્ચના ત્રિમાસિક હિસાબોને બહાલી આપવાની સાથે રૂપિયા ૧ કરોડ ૧૮ લાખના વિકાસકામો મંજૂર રાખ્યા હતા. એકાદ દાયકા બાદ આકરા પાણીએ આગળ આવેલા વિપક્ષે સત્તાપક્ષ ઉપર કથિત ભેદભાવનો આક્ષેપ મૂકી વિકાસકાર્યો હાથ પર લેવાનો આગ્રહ રાખ્યો હતો.

• રૂ. ૧ કરોડના ખર્ચે બનનારી બ્લડબેંક માટે રૂ. ૨૫ લાખનું દાનઃ અંજારમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આધુનિક સગવડસભર બ્લડબેંક શરૂ કરવાનું આયોજન કરાયું છે જેના માટે દાતા પરિવારે રૂ. ૨૫ લાખના માતબર દાનની જાહેરાત કરી છે. સ્વ. દીપક મધુકાંત પરિવારે સંસ્થાને રૂ. ૨૫ લાખના દાનનો ચેક ૨૯મી જુલાઈએ આપ્યો છે. આ માટે રાજવી રિસોર્ટ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત રેડક્રોસના ચેરમેન ડો. ભાવેશ આચાર્ય અને ભુજના ધારાસભ્ય ડો. નીમાબહેન આચાર્યની ઉપસ્થિતિમાં દાતા પરિવારના મેહુલભાઈ વ્યાસનું સન્માન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter