‘પદ્મશ્રી’ કલેક્ટર સ્ટાનિ સ્લાઉસ જોસેફ કોહેલ્હોનું બેંગલુરુમાં નિધન

Wednesday 30th August 2017 09:30 EDT
 
 

અમદાવાદઃ ૧૯૬૫માં પાકિસ્તાન સાથેની લડાઈમાં કચ્છના રણનો છાડબેટનો વિસ્તાર ભારતે ગુમાવવો પડ્યો હતો, પરંતુ એ સિવાયનો વ્યૂહાત્મક-વ્યાપક વિસ્તાર બચાવનારા હતા કોહેલ્હો. તેઓ કચ્છના કલેકટરથી માંડીને અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપનીના ચેરમેન પણ રહ્યા હતા. તે સ્ટાનિ સ્લાઉસ જોસેફ કોહેલ્હોનું ૨૪મીએ બેંગલુરુમાં ૮૨ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું.
બાવન વર્ષ પહેલાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નિયમો અને પ્રોટોકોલ ભંગ કરી કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદે એકાએક હુમલો કર્યો ત્યારે કોહેલ્હો કચ્છના કલેક્ટર હતા. તેમણે આ ઘટનાક્રમની જાણ ભારતીય લશ્કરના હેડક્વાર્ટરમાં કરી તાત્કાલિક મદદ માગી હતી. ઉપરાંત લશ્કર પહોંચે ત્યાં સુધીમાં ૮ અને ૯ એપ્રિલ, ૧૯૬૫ના રોજ તેમણે ૪૮ કલાક દરમિયાન સ્થાનિક રિઝર્વ પોલીસની મદદથી પાકિસ્તાનીઓનાં દાંત ખાટા કરી નાંખ્યા હતા અને કચ્છનો વ્યૂહાત્મક ભાગ બચાવી લીધો હતો. આ કામગીરી બદલ એસ. જે. કોહેલ્હોને પદ્મશ્રી એનાયત થયો હતો.
તેઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં એઈસી કંપનીનો સુપેરે વહીવટ કર્યો હતો અને ત્યારબાદ જીએનએફસી, જીએસઈએલ તથા જીઈબીના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટરના પદે રહ્યા હતા. સુરેશ મહેતા મુખ્ય પ્રધાન બન્યા ત્યારે જીઈબીનો વહીવટ સુધારવા તેઓને નિવૃત્તિ બાદ પુન: ગુજરાત બોલાવીને જીઈબીના ચેરમેનપદે નિયુક્ત કરાયા હતા, પરંતુ કમનસીબે મહેતા સરકારનું પતન થતાં નવા ઊર્જા પ્રધાને તેઓને અપમાનિત કરીને કાઢી મૂક્યા હતા.
જોકે ગુજરાતના ઔદ્યોગીકરણ ખાસ કરીને ઊર્જા અને જાહેર ક્ષેત્રના એકમોના વિકાસ માટે કોહેલ્હોના યોગદાન બદલ ગુજરાત સદાય તેમનું ઋણી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter