ભુજઃ ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ કચ્છ સરહદેથી માંડ ૯૦ કિલોમીટર દૂર પાકિસ્તાનમાં ચાઈનીઝ આર્મીના જવાનોને તૈનાત કરાયા હોવાના અહેવાલ છે. કેટલાક ગુપ્ત અહેવાલોમાં જણાવ્યા મુજબ ચીને સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં થાર વિસ્તારમાં આવેલી કોલસાની ખાણની સુરક્ષા માટે પીપલ્સ લીબરેશન આર્મીના જવાનો તૈનાત કર્યાં છે. આ ખાણ આંતરરાષ્ટ્રીય સીમાથી ૯૦ કિલોમીટર દૂર આવેલી છે. ચાઈના પાકિસ્તાન ઈકોનોમીક કોરિડોર (સીપીઈસી) અંતર્ગત સિંધ અને બ્લુચિસ્તાનમાં ચીનના અનેક પ્રોજેકટ ચાલે છે.
આ પ્રોજેકટ સામે સ્થાનિક લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જેથી ચીને તેના પ્રોજેકટની સુરક્ષાના હેતુથી તેનું લશ્કર તૈનાત કર્યું છે. ચીની દળોની આ મુવમેન્ટ ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સના ધ્યાને આવી છે. ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ૩ હજાર કિલોમીટર લાંબો છે. સીપીઈસીની સુરક્ષા માટે બંને દેશોના મળી ૧૭ હજાર આર્મીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

