અમદાવાદઃ સ્વચ્છ ભારત અભિયાન અને પ્રધાનમંત્રી જ્યોતિ ગ્રામ યોજના દેશના તમામ ગામમાં શૌચાલય અને દરેક છેવાડાના માણસને વીજળી મળી રહે તે માટે લાગુ કરવામાં આવી છે. પરંતુ તેનો લાભ આજે પણ લોકોને નથી મળી રહ્યો. વાત છેવાડાના ગામની નહીં, પણ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના કઠવાડા ગામની હદમાં આવેલા ટેબલીની છે. અહીં ૩૦ વર્ષથી વસતાં ૧૦૦ જેટલા પરિવારો વીજળી - શૌચાલયની સુવિધાથી આજે પણ વંચિત છે.
૫૦૦થી વધુ લોકોની વસતી ધરાવતા કઠવાડા ગામની હદમાં આવતો ટેબલી વિસ્તાર ૩૦ વર્ષ પહેલા વસાવામાં આવ્યો છે. અહીં વસતાં ૧૦૦માંથી ૪૭ કુટુંબોએ તો આજદિન સુધી ઘરમાં વિજળી જોઈ નથી. લોકોને બારેમાસ રાત અંધારામાં જ વીતાવવી પડે છે. ટેબલી ગામના આગેવાનો અને આરટીઆઇ એક્ટિવીસ્ટ ભરતસિંહ ઝાલાએ વીજળી અને શૌચાલયની સમસ્યાનું નિરાકરણ લાવવા માગણી કરી છે. ટેબલીના રહેવાસી સોમાભાઈ સોઢાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં અમને વીજળી વગર ખૂબ જ મુશ્કેલી પડે છે, જ્યારે અમારા બાળકોના અભ્યાસ પર પણ ગંભીર અસર પડે છે. ગામમાં ૪૭ મકાનમાં વીજળી નથી તો ૧૦૦ ઘરોમાં શૌચાલય ના હોવાને કારણે મહિલાઓને રોજ કુદરતી હાજતે છેવાડાના વિસ્તારમાં જવું પડે છે.

