વડોદરાઃ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલની ભાજપમાં એન્ટ્રીના વાવડ હતાં. અક્ષય કેસરિયા કરે તેની તૈયારી થતાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દોડતા થયાં હતાં. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ફાયદો કરાવવા માટે કોંગ્રેસના અક્ષય પટેલે ધારાસભ્યપદ જતું કર્યા બાદ ટેકેદારોની મિટિંગ બોલાવતાં તેમાં ભાજપના ત્રણ-ચાર આગેવાનો પણ હાજર રહ્યા હતા. જેના કારણે અક્ષય પટેલ ભાજપમાં એન્ટ્રી લે તેવી શક્યતા જોવાતાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ પાણી પહેલા પાળ બાંધવાની શરૂ કરી હતી. ભરૂચના સંસદ સભ્યની આગેવાની હેઠળ શિનોર નજીકના કુકસ ગામે મળેલી એક મિટિંગમાં કરજણના પૂર્વ ધારાસભ્ય, ભાજપના જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા આગેવાનો સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં રેતી ખનનના મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરી રેતી માફિયાઓ સામે લડત ઉપાડવા માટે નિર્ણય લઇ પરોક્ષ રીતે અક્ષય પટેલની ભાજપમાં સંભવિત એન્ટ્રી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં અક્ષય પટેલના પુત્રનું નામ રેતી ખનનમાં ઉછળ્યું હતું અને ખનિજ વિભાગના અધિકારીએ પોલીસમાં અરજી પણ આપી હતી.