કલ્પસર ડ્રીમ પ્રોજેક્ટના વિવિધ અભ્યાસ પૂર્ણતાના આરેઃ રૂ. ૯૨ હજાર કરોડના ખર્ચે પ્રોજેક્ટ સાકાર થશે

Tuesday 08th December 2020 11:42 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની સ્થાપના પછીના ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ થઈ ગયા છે અને હવે રાજ્ય સરકાર કેન્દ્રીય અર્થ સાયન્સિસ મંત્રાલય હેઠળની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેક્નોલોજી – એનઆઈઓટીને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) બનાવવાનું કામ સોંપી રહી છે, જે આવ્યા બાદ રાજ્ય સરકાર પ્રોજેક્ટમાં નક્કર કામગીરી શરૂ કરવાનો ઇરાદે ધરાવે છે. આ સૂચિત મહાકાય પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાતમાં ભાવનગર અને દહેજ વચ્ચે ૩૦ કિલોમીટરનો વિશ્વનો સૌથી લાંબો ડેમ બનશે. આ સમગ્ર યોજના પાછળ રૂ. ૯૨ હજાર કરોડથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે.
જળસંપત્તિ ક્ષેત્રના મુખ્ય પ્રધાનના સલાહકાર બાબુભાઈ નવલાવાલાના જણાવ્યા પ્રમાણે, ‘કલ્પસર યોજનામાં કુલ ૩૩ અભ્યાસ અહેવાલો પૈકી ૨૮ પૂર્ણ થઈ ગયા છે અને બાકીના પાંચ પણ હવે પૂરા થવાને આરે છે, એટલે એનઆઈઓટીને ડીપીઆર માટે એપ્રોચ કરાયો છે, એની પાસેથી દરખાસ્ત આવ્યા બાદ ડીપીઆરનું કામ તેના દ્વારા શરૂ થશે અને એ રિપોર્ટ આવ્યા પછી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાશે.’ અભ્યાસ રિપોર્ટ્સ તૈયાર કરવા પાછળ અત્યાર સુધી આશરે રૂ. ૧૫૦ કરોડ ખર્ચાયા હોવાનું કલ્પસર પ્રભાગ તરફથી જણાવાઈ રહ્યું છે.
સૂચિત પ્રોજેક્ટથી સર્જાનારી પર્યાવરણીય અસરો અંગે પૂછતાં નવલાવાલા કહે છે કે, ‘૨૦૦૫ના અરસામાં પર્યાવરણીય અસરો અંગે પ્રાથમિક રિપોર્ટ તૈયાર થયેલો પણ એ ૧૫ વર્ષ જૂનો હોઈ અત્યારે એનું કોઈ મહત્ત્વ નથી, હવે જે ડીપીઆર તૈયાર થશે, એમાં એન્વાયરનમેન્ટલ ઇમ્પેક્ટની બાબતો આવશે ત્યારે બધી ખબર પડશે.’ સન ૧૯૯૫થી કાગળ ઉપર ચાલતી આ સ્વપ્નસમી યોજનામાં અભ્યાસો પૂર્ણ થતાં, મોટેભાગે ૨૦૨૧-૨૨ના રાજ્ય સરકારના બજેટમાં આ પ્રોજેક્ટ માટે મોટાપાયે નાણાકીય આયોજન થાય તેવી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter