કલ્પસર યોજનાઃ ગુજરાતના વિકાસ માટે કલ્પવૃક્ષ સમાન પ્રોજેક્ટ

આશરે 1.57 લાખ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારી યોજના 10-12 વર્ષમાં પૂર્ણ થવાનો અંદાજ

Saturday 23rd May 2026 05:21 EDT
 
 

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન ગુજરાતની જળ સુરક્ષાના કલ્પવૃક્ષ સમાન કલ્પસર યોજનાને સાકાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. કલ્પસર યોજના માટે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટેકનિકલ સહકાર માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન કલ્પસર યોજનાને ભારત-નેધરલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને નેધરલેન્ડના જળ વ્યવસ્થાપન ક્ષેત્રના બહોળા ટેકનિકલ અનુભવનો સીધો લાભ મળશે.
અંદાજિત 1.57 લાખ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારી આ યોજના અંતર્ગત, કુલ 1800 ચો.કિમી.નો વ્યાપ અને કુલ 13,000 મિલિયન ઘનમીટર (10.53 મિલિયન એકર ફૂટ) મીઠા પાણીનો જથ્થો ધરાવતા જળાશયનું નિર્માણ થશે. સમગ્ર યોજના આગામી 10થી 12 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. કલ્પસર યોજનાના બંધની કુલ લંબાઈ 60.13 કિમી હશે, અને ડેમના મથાળા ઉપર 16 માર્ગીય રસ્તા અને 4 ટ્રેક રેલવે લાઇનનો સમાવેશ કરાયો છે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી જરૂરી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આગામી બે વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના નિર્માણકાર્ય માટે ટેન્ડરની કામગીરી હાથ ધરવામાં આવશે.
વડાપ્રધાન મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ નેધરલેન્ડ્સના તજજ્ઞો દ્વારા આ યોજનાના ડીપીઆર (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ)ની ઝીણવટભરી સમીક્ષા કરાશે અને તેમના સૂચનોના અમલીકરણ થકી ડીપીઆરને વૈશ્વિક સ્તરે સર્વસ્વીકૃત તેમજ આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને અનુરૂપ બનાવવામાં આવશે.
આમ, નેધરલેન્ડ્સ તેના વિશ્વ પ્રખ્યાત 'Afsluitdijk' ડેમ પ્રોજેક્ટના 90થી વધુ વર્ષોના મેનેજમેન્ટના અનુભવ અને નિપુણતાનો લાભ ભારતને આપશે. આ સહયોગ સમજૂતી 29 માર્ચ 2022ના રોજ બંને દેશો વચ્ચે થયેલી ભારત-ડચ જળ વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. કલ્પસર યોજનાને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે દરિયાઈ ક્ષેત્રે નિર્માણકાર્યમાં વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવતા નેધરલેન્ડના નિષ્ણાતોના તકનીકી નિષ્ણાતોનું માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter