અમદાવાદઃ જાણીતા કવિ નિરંજન ભગતનું બ્રેઇન સ્ટ્રોકથી ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. સાહિત્ય પરિષદની બેઠકમાં ચર્ચામાં ૨૬મી જાન્યુઆરીએ તેમને બ્રેઇન સ્ટોક આવ્યો હતો અને તેમને તુરંત મીઠાખળીમાં આવેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તબીબોના અનેક પ્રયત્નો છતાં તેમના આતંરિક અવયવો કામ કરતા નહોતા. અંતે તબીબોની સલાહથી તેમના પરિજનોએ કવિને વેન્ટીલેટર પરથી ખસેડી લેવાનો કપરો નિર્ણય લીધો હતો. પહેલી ફેબ્રુઆરીએ બપોરે વેન્ટીલેટર હટાવી લેતાં મોડી સાંજે તેમનું નિધન થયું હતું.
૧૯૨૬માં અમદાવાદમાં જન્મેલા નિરજંન ભગત એલ.ડી આર્ટસ અને ત્યારબાદ વિવિધ આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા હતા. તેઓ સરળ રીતે અંગ્રેજી ભણાવતા તેથી વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. ગુજરાતી ભાષામાં વિવેચક તરીકે તેમણે અનેક સંગ્રહો પર પોતાના સાહિત્યની ઉંડી છાપ છોડી હતી. નાગરી લિપિમાં ‘છંદોલય’, ‘કિન્નરી’ તેમજ ‘અલ્પવિરામ’ તેમનાં શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહો હતા. કવિને કુમાર ચંદ્રક, નર્મદ ચંદ્રક અને સાહિત્યના સર્વોચ્ચ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. અંગ્રેજી ભાષામાં પણ તેમણે ૧૦૦થી વધુ કાવ્યો લખ્યા હતા. તેઓ ૧૪ વર્ષથી ગુજરાતી કવિતાઓ લખતા હતા. કવિએ તેમના માતાની સેવા માટે લગ્ન કર્યા નહોતા. એલ.ડી આર્ટસ કોલેજમાં તેઓ પ્રાધ્યાપક હતા ત્યારે તેમના માતાનો ફોન કે સંદેશો આવે તો તેઓ માતા પાસે દોડી જતા હતા.


