કવિન્દ્ર રવિન્દ્રનાથે અમદાવાદમાં એક નવલકથા, બે કાવ્યોની રચના કરી હતી

Wednesday 10th May 2017 08:04 EDT
 
 

અમદાવાદઃ કવિ, લેખક સમાજ ઉદ્ધારક સ્વ. રવિન્દ્રનાથ ઠાકુરની ૧૫૬મી જન્મજયંતી ૭મેના રોજ દેશવિદેશમાં ઊજવવામાં આવી હતી. રવિન્દ્રનાથ ટાગોરના જીવનકાળમાં અમદાવાદનું પણ વિશિષ્ટ સ્થાન છે, અમદાવાદમાં જ ટાગોરે બંગાળી નવલકથા ‘સુદત પાષણ’ (ભૂખ્યો પથ્થર) તેમજ બે કાવ્યો ‘બંદી ઓ અમાર’ અને ‘નિલાવ રજની દેખો’નું પણ સર્જન કર્યું હતું. રવિન્દ્રનાથ ટાગોર સૌ પ્રથમ ૧૮૭૮ના વર્ષમાં અમદાવાદ આવ્યા ત્યારે તેઓની ઉંમર ૧૭ વર્ષ હતી. તે સમયે રવિન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદ શહેરના કમિશનર તરીકે ફરજ અદા કરતા હતા. આમ, મોટાભાઈના આગ્રહથી રવિન્દ્રનાથ ટાગોરે તે સમયે અમદાવાદની મુલાકાત લીધી હતી. તે સમયે રવિન્દ્રનાથનું નિવાસસ્થાની મોતીશાહી મહલ હતું. આ મોતીશાહી મહલનું નિર્માણ ૧૬૨૨ના વર્ષમાં મોગલ બાદશાહ શાહજહાંએ કર્યું હતું. આ ઈમારતને આજે આપણે સરદાર પટેલ સ્મારક ભવન તરીકે ઓળખીએ છીએ. જે શાહીબાગ વિસ્તારમાં છે. અમદાવાદ આવવાના હેતુ અંગે ઈતિહાસવિદ્દોનું માનવું છે કે મોટાભાઈ સત્યેન્દ્રનાથને ઈચ્છા હતી કે રવિન્દ્રનાથ ઈંગ્લેન્ડ જઈને ઉચ્ચ અભ્યાસ કરે. ઈંગ્લેન્ડ જતા અગાઉ ઈંગ્લિશ સાહિત્યનો અભ્યાસ પોતાના માર્ગદર્શન હેઠળ કરી શકે તે માટે સત્યેન્દ્રનાથે રવિન્દ્રનાથને પોતાની સાથે રહેવા અમદાવાદ બોલાવ્યા હતા. આમ, આ સમયગાળામાં ભાઈ પાસે સાહિત્યનો મહાવરો મેળવવા રવિન્દ્રનાથ છ મહિના અમદાવાદ રહ્યા હતા.
ટાગોર અમદાવાદ શહેરથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે પોતાના એક સર્જનમાં સાબરમતી નદીનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદ અંગે ત્રણ લેખ પણ લખ્યા હતા.
ટાગોરે આ પછી ૧૯૨૦ના વર્ષમાં અમદાવાદની મુલાકાત લીધી હતી. એ સમયે તેઓ ગુજરાત સાહિત્ય પરિષદની સામાન્ય સભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૧૯ના વર્ષમાં મહાત્મા ગાંધી ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી માટે ઉભા રહ્યા હતા. જેમાં તેમનો હરગોવિંદદાસ કાંટાવાલા સામે પરાજ્ય થયો હતો. ૧૯૨૦ની સાહિત્ય પરિષદની બેઠકમાં મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર બંને ઉપસ્થિત રહ્યા હતા. આ અરસામાં જ રવિન્દ્રનાથ ટાગોર નવરાત્રિના ગરબા નિહાળવા માટે દેસાઈની પોળમાં પણ ગયા હતા. એ સમયે ટાગોરે ચીનુભાઈ બેરોનેટની હવેલીની અટારીમાંથી ગુજરાતી ગરબાની રમઝટ માણી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter