અમદાવાદઃ કાંકરિયા બાલવાટિકાની બાજુમાં આવેલા એડવેન્ચર પાર્કમાં રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ ડિસ્કવરી નામની રાઇડનો સહેલાણીઓને હવામાં લઇ જતો એંગલ અચાનક જ બટકાઇ જતાં ૩૧ સહેલાણીઓ રાઇડની સાથે ૫૦ ફૂટ ઊંચેથી નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં એક યુવક અને એક યુવતીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ૨૯ સહેલાણીઓ ઘવાતાં એલ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાઇડ તૂટવાનો અવાજ સંભળાતા જ હાજર મુલાકાતીઓએ તરત જ ત્યાં પહોંચી જઇ રાઈડના સેફ્ટી ગેટને લોખંડના પાઈપથી તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ મુલાકાતીઓએ મોટા ભાગના સહેલાણીઓને રાઇડની બેઠકો તોડી બહાર કાઢી લીધા હતા. દુર્ઘટનાગ્રસ્ત રાઇડ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક લિમિટેડના ઘનશ્યામ પટેલ અને તેના પુત્ર ભાવેશ પટેલ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ચલાવવામાં આવતી હતી. રવિવારે કાંકરિયામાં રાઇડ તૂટી પડવાની દુર્ઘટનામાં પોલીસે બેદરકારી બદલ ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના પુત્ર યશ પટેલ અને રાઇડના માલિક ઘનશ્યામ પટેલ અને તેના પુત્ર ભાવેશ સહિત છ વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઘટના પછી અમદાવાદ પોલીસ કમિશનર એ. કે. સિંઘે કાંકરિયાની તમામ રાઇડના લાઇસન્સ કેન્સલ કરીને રાઈડ્ઝ બંધ કરાવી છે. આ ઉપરાંત હાલમાં અમદાવાદમાં ચાલતા ૮થી ૧૦ મેળાની તમામ રાઇડના લાઇસન્સ કેન્સલ કરીને બંધ કરાવી છે. નવા લાઇસન્સ કયા ધોરણ હેઠળ આપવા માટે પીડબ્લ્યુડી અને આરએનબી વિભાગ સાથે મિટિંગ બાદ યોગ્ય નિર્ણય લેવાશે.
કિશોરનો ડાબો પગ કાપવો પડ્યો
આ ઘટનામાં કલોલના ભાવસાર પરિવારના એક માત્ર પુત્ર, બહેન અને અન્ય એક મહિલાને ઇજા થયાનું જણાયું છે. પુત્રનો ડાબા પગનો ઘૂંટણથી નીચેનો ભાગ છુંદાઈ ગયો હતો અને જમણા પગે પણ ફ્રેક્ચર તેમજ માથા અને છાતીમાં ગંભીર ઇજા થઈ હતી. ૮ ડોક્ટરોની ટીમે ૪ કલાક સર્જરી કરી હતી. એ પછી કિશોરનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેનો ડાબો પગ કાપવો પડ્યો છે જ્યારે જમણા પગમાં સળિયા નાંખ્યાં છે.


