કાકરાપાર અણુમથકમાં લીકેજ, પણ હોનારત ટળી

Saturday 12th March 2016 07:06 EST
 
 

સુરતઃ કાકરાપાર અણુમથકમાં વીજળી ઉત્પન્ન કરતા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વનમાં ૧૧મી માર્ચે સવારે એકાએક જોખમ ઊભું થયું હતું. ૨૨૦ મેગાવોટ વીજળી જનરેટ કરતા યુનિટ વનની પ્રેશર હિટ કરતી સિસ્ટમમાં માઇનોર લીકેજને કારણે ગભરાટ ફેલાયો હતો. જેથી ઇનસાઇડ ઇમરજન્સી જાહેર કરાઈ હતી. લીકેજ દરમિયાન સવારે નવ કલાકે પ્લાન્ટમાં કામગીરી કરી રહેલા ટેક્નિકલ ટીમના ૩૦૦ કર્મચારીઓને તુરત સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને પ્લાન્ટ બંધ કરાયો હતો. સાથોસાથ ન્યુક્લિયર રિએક્શનનું ટેમ્પરેચર જાળવવા કૂલિંગ સિસ્ટમ કાર્યરત કરાઇ હતી. આ લીકેજની સાથે જ એક્શનમાં આવેલી સેફટી સિસ્ટમસે રેડિએશનને વધુ ફેલાતું અટકાવવામાં સફળતા મેળવી હતી. સેફ્ટી સિસ્ટમ બરાબર રન થઇ હોઈ દક્ષિણ ગુજરાતના માથેથી મોટી ઘાત ટળી હતી. પ્લાન્ટની અંદર અને બહાર રેડિયો એક્ટિવિટી અને રેડિએશન લેવલ નોર્મલ પોઝિશનમાં છે. હાલ યુનિટ વનને વીજઉત્પાદન માટે સેફટીનાં કારણોને લઈને બંધ રખાયો છે.

ભાભા અણુમથકની ટીમ મોકલાઈ

સુરત જિલ્લા કલેક્ટર ડો રાજેન્દ્રકુમાર દ્વારા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરને મેસેજ મોકલાયા બાદ તાત્કાલિક અમદાવાદથી ટેક્નિકલ ટીમ કાકરાપાર રવાના કરાઈ હતી. ટીમે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન વનમાં ઊભી થયેલી ઇમરજન્સી માત્ર ઇનસાઇડ છે. લીકેજ અંગે ઓફ સાઇડ ઇમરજન્સી જાહેર કરાઈ નથી.

ચિંતા કરવાની જરૂર નથીઃ ડો. રાજેન્દ્રકુમાર

અણુમથકના યુનિટ વન માટે ઈમરજન્સી જાહેર કરાયા બાદ આસપાસનાં ગામોમાં ભયનો માહોલ છવાયો હતો. દરમિયાન સુરત કલેક્ટર ડો. રાજેન્દ્રકુમારે રિલીફ કમિશનર રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર, એડિશનલ ચિફ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર, સેક્રેટરી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સેક્રેટરી ટુ ચિફ મિનિસ્ટર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત, એડિશનલ ચિફ સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ, એટોમિક એનર્જી ન્યૂ દિલ્હીને જાણ કરી હતી. અમદાવાદની અણુભાભા મથકની ટીમે તપાસ કરીને રિપોર્ટ આપ્યા પછી સુરત જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમારે નાગરિકોને મેસેજ આપ્યાં હતાં કે, પ્લાન્ટનો યુનિટ વન બંધ કરી દેવાયો છે અને હવે ચિંતા કરવાની જરૂર નથી.

૧૯૯૮માં ૬૬ દિવસ પ્લાન્ટ બંધ કરાયો હતો

કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન યુનિટ વનને અગાઉ વર્ષ ૧૯૯૮માં મોટું વિઘ્ન નડયું હતું. ભૂતકાળમાં પણ પ્લાન્ટના યુનિટ વનમાં કૂલિંગ લુપમાં લીકેજ થવાથી પ્લાન્ટ શટડાઉન કરાયો હતો. ત્યારે પણ પ્લાન્ટ સતત ૬૬ દિવસ બંધ રહ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૦૪માં અંડર મેઇન્ટેનન્સના લીધે પ્લાન્ટ બંધ રખાયો હતો. આઠ વર્ષ અગાઉ પણ કાકરપાર અણુમથકમાં આતંકવાદી ઘૂસ્યા હોવાના મેસેજ વાઇરલ થતાં પ્લાન્ટ ચર્ચામાં રહ્યો હતો અને સરકારે મોકડ્રિલની જાણ કરતાં લોકોમાં હાશકારો થયો હતો.

રેડિએશન વાતાવરણમાં ભળે તો જોખમ

ટેક્નિકલી અણુમથકમાં એટમિક રિએક્શનની આજુબાજુમાં કૂલિંગ સિસ્ટમ હોય છે. એટમિક રિએક્શન વખતે હજારો, લાખો ડિગ્રી તાપમાનને કાબૂમાં લેવા માટે કૂલિંગ સિસ્ટમ ગોઠવાયેલી હોય છે. કૂલિંગ સિસ્ટમમાં લીકેજ બાદ પ્લાન્ટ બંધ ન કરાય તો મોટો ધડાકો થઇ શકે છે અને રેડિએશન વાતાવરણમાં ભળી જાય એ પછી મનુષ્ય, પ્રાણી, પશુ જેને પણ રેડિએશન લાગે તેમનાં શબ બાળી નાંખવામાં આવે તેની રાખમાં પણ રેડિએશન રહે છે. જો વાતાવરણમાં ૨૦ ટકા રેડિએશન હોય તો છેક ૫ હજાર વર્ષે તેનું પ્રમાણ ઘટીને ૧૦ ટકા થાય છે. જો લીકેજ થઇને રેડિએશન વાતાવરણમાં ભળે તો મોટું જોખમ તોળાઇ શકે છે.

૨૦૦૩માં બેસ્ટ પર્ફોર્મન્સનો ખિતાબ મળ્યો હતો

વર્ષ ૨૦૦૩માં કાકરાપાર અણુમથકને દેશભરમાં બેસ્ટ પર્ફોર્મિંગ હેવિ વોટર રિએક્ટરથી નવાજવામાં આવ્યું હતું. આ પાવર પ્લાન્ટની ડિઝાઇનથી દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ આ પ્રકારના પ્લાન્ટ તૈયાર કરવાની વિચારણા ચાલી હતી.

જાપાનમાં સુનામી વખતે અણુપ્લાન્ટમાં કૂલિંગ સિસ્ટમ બંધ થઇ હતી

એટમિક રિએક્શનની આજુબાજુની કૂલિંગ સિસ્ટમ મહત્ત્વનો ભાગ ભજવે છે. ૧૯૯૫ની સાલમાં રશિયામાં કૂલિંગ સિસ્ટમ બંધ થઇ જતાં એટમિક રિએક્શનનું અંદરનું તાપમાન ૧ લાખ ડિગ્રીને પાર કરી ગયું હતું. આ સિવાય છેલ્લા દસકામાં જાપાનમાં આવેલા સુનામી વેળાએ અણુમથકમાં પાણી ઘૂસી જતાં કૂલિંગ સિસ્ટમ બંધ થઇ ગઇ હતી. તે સાથે જ આસપાસનો મોટો વિસ્તાર ખાલી કરી દેવાયો હતો. દરમિયાન બેથી ત્રણ વૈજ્ઞાનિકોએ જીવના જોખમે અંદર જઇને સિસ્ટમ ફરી શરૂ કરતા મોટી હોનારત ટળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter