વેરાવળ: સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવનારા પ્રવાસીઓને આકર્ષી શકે એવા બીજા અનેક વિકાસ કામો પ્રભાસ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવશે. વડા પ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ આ માટે ખાસ રૂ. ૩૦૦ કરોડની ફાળવણી કરાઇ છે. સોમનાથના ઇતિહાસને જાણવા ઉત્ખનનની કામગીરી માટે પુરાતત્ત્વ વિભાગની ટીમે પણ સોમનાથની મુલાકાત લીધી છે.
આ અંગે સોમનાથના ટ્રસ્ટી અને સચિવ પ્રવીણ કે લહેરીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષી શકે એ માટે આવનાર દિવસોમાં સરકાર, ખાનગી કંપની અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અનેક વિકાસ કામો પર ધ્યાન આપશે. જેમાં સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઇ ટનલનો છે. પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે. તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. તેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડિયો વિઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.
દેહોત્સર્ગથી કેબલ બ્રિજ
ત્રિવેણી દેહોત્સર્ગથી સામા કાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરાં સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભિત કરાશે. સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિર નિર્માણ કરી રહ્યું છે. આ સાથે યાત્રિ પ્લાઝા ઉપરાંત શહિદ હમીરજી ગોહિલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઇ શકાય એવી વ્યવસ્થા ઉભી કરશે.
ભૂગર્ભ બાંધકામ
સોમનાથ મંદિર અને આસપાસના ૪ સ્થળે ભૂગર્ભ બાંધકામ અંગે આઇઆઇટી ગાંધીનગરે આપેલા રિપોર્ટમાં જે ૪ સ્થળો દર્શાવ્યા છે. તેના સંશોધન માટે પુરાતત્ત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્માએ સોમનાથમાં તાજેતરમાં બે દિવસનું રોકાણ કરી નિરીક્ષણ કર્યું હતું. આ સ્થળોના સંશોધન અને ખનન માટે મોકલેલી દરખાસ્ત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમનાથ એસટી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સામે સ્થળાંતર કરી ત્યાં નવું બસ સ્ટેશન બનશે. આ એસટી ડેપો રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર જેવો બને તે માટે એસટી સાથે વાતચીત ચાલુ છે. જેની કામગીરી બજેટ પછી હાથ ધરાશે.


