મુંબઈઃ કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષના મહાસચિવ ગુરુદાસ કામત પાસેથી ગુજરાતનો પ્રભાર છીનવીને રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને સોંપી દીધો છે. ગેહલોતની મદદ માટે ૩ સચિવો પણ નિમાયા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કામતને લાંબા સમયથી ન બનતું હોવાનું કહેવાય છે. ઉપરાંત, મુંબઇ મહાપાલિકાની ચૂંટણી અગાઉ બ્લોક અધ્યક્ષોની નિયુક્તિ બાદ કામતને મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમ સાથે પણ અણબનાવ થયો, જે મુંબઇ પાલિકાની ચૂંટણીમાં ખૂલીને સામે આવ્યો હતો. નોંધનીય છે કામતે ચૂંટણી પહેલાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, પણ બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવાથી તેઓ રાજકારણમાં સક્રિય થયા હતા. ૨૬મીએ તેમણે ફરી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. જોકે ગુજરાતના પ્રભારી પદેથી હટાવવા અંગે પ્રતિક્રિયા આપતાં ગુરુદાસ કામતે કહ્યું, મેં પોતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રજૂઆત કરી હતી કે મને તમામ જવાબદારીઓથી મુક્ત કરવામાં આવે. ગયા અઠવાડિયે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મારી મુલાકાત થઇ ત્યારે પણ મેં રજૂઆત અંગે તેમનું ધ્યાન દોર્યું હતું. ગેહલોતની નિયુક્તિને હું આવકારું છું.


