અમદાવાદ: ફોન આપવાથી બાળકો ખોટા રવાડે ચડી જતાં હોવાનો અમદાવાદનો એક કિસ્સો બહાર આવ્યો છે. અમદાવાદની એક સાત વર્ષની બાળકીએ માતા-પિતાને અમુક ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછવાનું શરૂ કરતાં માતા-પિતા આશ્ચર્યમાં મુકાઈ ગયાં હતાં. માતા-પિતાએ તરત જ સાઇબર એક્સપર્ટની મદદ લીધી હતી અને સાઈકોલોજિસ્ટની પાસે દીકરીનું કાઉન્સેલિંગ કરાવવાની ફરજ પડી હતી. આની પાછળનું કારણ એ હતું કે દીકરીને માતાએ સ્માર્ટપોન ખરીદી આપ્યો અને બાળકી પોર્ન સાઈટ્સ જોવાના રવાડે ચડી ગઈ હતી.
સાયબર એક્સપર્ટ પાસે નોંધાયેલા આ કિસ્સામાં જાણવા મળ્યું હતું કે, વાલી પોતાનું કામ સારી રીતે કરી શકે તે માટે તેમણે ૭ વર્ષની બાળકીને અલગથી સ્માર્ટફોન - મોબાઇલ લઇ આપ્યો હતો. શરૂઆતમાં તે પોતાના મોબાઇલ પર સામાન્ય વીડિયો જોયા કરતી હતી. વધુ પડતા કામને કારણે વાલી બાળકીનો મોબાઇલ પણ ચેક કરવાનું ભૂલી જતા હતા.
ધીરે ધીરે ઓનલાઇન વીડિયો જોતાં જોતાં બાળકી એડલ્ટ કન્ટેન્ટ જોવા માંડી હતી. એક દિવસ જ્યારે બાળકીએ માતા - પિતાને અમુક પ્રકારના ‘ચોક્કસ’ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું ત્યારે તેઓ ડઘાઈ ગયા. નાની ઉંમરમાં બાળકીને આ પ્રકારની માહિતી ક્યાંથી મળી એવો મોટો પ્રશ્ન હતો. વાલીએ મોબાઈલની તપાસ કરી અને તાત્કાલિક સાઇબર એક્સપર્ટની મદદ લીધી પછી ખ્યાલ આવ્યો કે સોશિયલ મીડિયા પર વીડિયો જોતાં જોતાં બાળકી એડલ્ટ કન્ટેન્ટ જોવા લાગી હતી. આખરે બાળકી પરની ખરાબ અસરો ટાળવા બાળકીનું સાઈકોલોજિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવું પડ્યું.

