કાર્યકરો મહાત્મા ગાંધીના વિચારોને ઘરેઘરે પહોંચાડેઃ અમિત શાહ

Wednesday 10th July 2019 06:50 EDT
 
 

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા બાદ ત્રીજી અને ચોથી જુલાઈએ અમિત શાહ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રીજીએ સાંજે સવા પાંચ વાગે ઇન્કમટેક્સ સર્કલ પરના ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજના બંને છેડા પર મોટી સંખ્યામાં ઊમટી પડેલા શહેરીજનોએ અમિત શાહનું અભિવાદન કર્યું હતું. ગાંધીનગરના સાંસદ અમિત શાહનું ત્રીજીએ અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ અભિવાદન પણ કર્યું હતું. જીએમડીસી કન્વેન્શન હોલમાં કાર્યકરોને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીએ ગાંધીવિચારોને ગુજરાતના ઘરઘરમાં પહોંચાડો.

કાર્યકરોને ૧૫૦ કલાકની પદયાત્રાથી સ્વચ્છતા, ખાદી, જળસંચય, અંત્યોદય, અહિંસા એમ પૂજ્ય બાપુના વિચારોને જનજન સુધી પહોંચાડવા આહવાન કરતા અમિત શાહે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના મતદારોનો આભાર માન્યો હતો. બીજે દિવસે ચોથીએ અમિત શાહે બીએપીએસના વડા સંત પૂ. મહંતસ્વામીના આશીર્વાદ લીધા હતા.

મહંતસ્વામીના અમિત શાહને આશીર્વાદ

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત, પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, અષાઢી બીજે રથયાત્રાના દિવસે સવારે ૧૦.૧૫ વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મહંતસ્વામીજીના આશીર્વાદ લેવા શાહીબાગ સ્વામીનારાયણ મંદિરે પધાર્યા હતા. અમિત શાહ અડધો કલાક મંદિરે રોકાયા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પણ ગુરુપુષ્ય નક્ષત્રના શુભ યોગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા.

જે અંતર્ગત પૂજ્ય મહંતસ્વામી મહારાજે અષાઢી બીજના ઉપલક્ષ્યમાં અમિતભાઈ શાહને માણકી ઘોડી જ્યાં બિરાજમાન છે, તેવા સારંગપુર તીર્થની પ્રતિમા ભેટ આપીને રાષ્ટ્ર પણ અશ્વગતિએ અવિરતપણે પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter