અમદાવાદ: કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં ૧૭મીએ હિસાબ માટે બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટી ગાંડાભાઇ પટેલે આશરે રૂ. ૭૦૦ કરોડના ગોટાળા થયા હોવાનું કહી વાંધો ઉઠાવતાં મંદિરના મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ, તેજેન્દ્ર પ્રસાદ પાંડે તથા મનીષ કારભારીએ બહારથી માણસો બોલાવી ટ્રસ્ટીને માર ખવડાવ્યો હોવાનો ટ્રસ્ટીએ આક્ષેપ કર્યો છે.
આ ભાડુતી માણસોએ ટ્રસ્ટીને માર્યા બાદ ટિંગાટોળી કરીને બહાર લઇ જઇને માર મારતાં તેઓ બેભાન થઇ ગયા હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેવી પણ ફરિયાદ થઈ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે ઘટના વખતે કારભારી મનીષભાઇ, ચીમનભાઇ, દિનેશભાઇ, જીવણભાઇ, હરજીવનભાઇ (છપૈયા મંદિર) તથા મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદના પર્સનલ સેક્રેટરી પણ હાજર હતા. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ગુલાબપુરા ગામમાં રહેતા અને સહજાનંદ ડેરી ફાર્મના માલિક તેમજ કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા ગાંડાભાઇ નારાયણભાઇ પટેલે ઉપરોક્ત ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ બનાવમાં ટ્રસ્ટીના સગાના જણાવ્યા મુજબ સ્વામીનારાયણ મંદિરના હિસાબમાં અંદાજિત રૂ. ૫૦૦થી ૭૦૦ કરોડના ગોટાળા અંગે વાંધો ઉઠાવતાં આ ઘટના બની હતી.

