અમદાવાદઃ કોસ્મેટિક્સના ૪૫ વર્ષીય વેપારી કૃણાલ ત્રિવેદીએ તેમનાં ૪૨ વર્ષીય પત્ની કવિતા અને ૧૫ વર્ષની પુત્રી શ્રીની સાથે ૧૧મી સપ્ટેમ્બરે ઝેરી દવા પીધા પછી ગળાફાંસો ખાઈને આપઘાત આપઘાત કર્યો હતો. સુસાઈડ નોટ અને નરોડા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ‘કાલા જાદુ’ના કારણે સામૂહિક આપઘાતની વાત બહાર આવી રહી છે. મૂળ ઈન્દોરના અને નરોડામાં રહેતા કૃણાલભાઈ ૧૦મીએ, સોમવારે અમદાવાદમાં રહેતા સાળાના ઘરે જવાના હતા પણ ગયા નહોતા. ૧૧મીએ, મંગળવારે કૃણાલભાઈના ફોન સતત નો-રિપ્લાય આવ્યા. રાત્રે ઘરે જઈ તપાસ કરી તો કૃણાલભાઈ, તેમનાં પત્ની અને પુત્રી મૃત હાલતમાં અને માતા જયશ્રીબહેન બેહોશ હાલતમાં મળ્યાં.
પોલીસે જણાવ્યું કે કૃણાલ અને તેનો પરિવાર કૃણાલની માતા જયશ્રીબહેનને વારંવાર ફરિયાદ કરતો કે, તેઓ ઊંઘે ત્યારે તેમને મુંઝારો થતો હતો. કોઈ મારવાની કોશિશ કરતું હોય તેવું તેમને લાગતું રહેતું.
માતાને બેભાન કરીને આપઘાત
કૃણાલભાઈ કાલ્પનિક સંકટમાં દારૂ પીવા લાગ્યા હતા અને તેમની પત્ની - પુત્રી પણ કાલ્પનિક સંકટમાં ઊંડા ઉતરી ચૂક્યા હતા. તેમણે સંકટ નિવારણ માટે બગલામુખી દેવીનો ફોટો અને ધ્વજા પણ તેમના ફ્લેટના દરવાજા ઉપર લગાવ્યાં હતાં. જોકે જયશ્રીબહેન કાલ્પનિક શક્તિની વાતો માનવા તૈયાર નહોતા. કમનસીબે, માતાને બેહોશ કરી કૃણાલભાઈએ પત્ની અને પુત્રી સાથે આપઘાત કરી લીધો હતો.
આ ઉપરાંત જયશ્રીબહેને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, કૃણાલ હંમેશા ભયમાં રહેતો હતો. ૨૦ વર્ષ પહેલાં ઇન્દોરમાં કૃણાલની કોલેજની પ્રેમિકાએ આપઘાત કરી લીધો હતો. તેની આત્મા તેને પરેશાન કરતી હોવાનું કૃણાલ માની રહ્યો હતો. કુણાલ માનતો કે તે પ્રમિકાની આત્મા બદલો લેવા કાળો જાદુ કરી રહી હતી. કુણાલ ઘરે ધૂણવા લાગતો અને બૂમો પાડી કહેતો કે તમે મને પરેશાન કરી છે હવે હું બદલો લઇશ. તેને લાગતું કે તેના શરીરમાં પ્રેમિકા પ્રવેશે પછી તે બેફામ દારૂ પીવા લાગે છે. જયશ્રીબહેન કહે છે કે કૃણાલ ધૂણતા કહેતો કે, તેને (જયશ્રીબહેનને) પેરાલિસીસ પણ મેં જ કરાવી દીધો છે. તમને જીવવા પણ નહીં દઉં અને મરવા પણ નહીં દઉં. કૃણાલ તેની ૧૬ વર્ષીય દીકરી પર પણ હુમલો કરતાં અચકાતો ન હતો. થોડા સમય અગાઉ દિલ્હીમાં એક જ પરિવારના ૧૨ સભ્યોએ આત્મહત્યા કરી હતી ત્યારે વાત આવી હતી કે કાલ્પનિક શક્તિમાં ઊંડા ઉતરી ગયેલા દિલ્હીના પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો. તેવી જ મનાતી આ ઘટનામાં નરોડાના પરિવારે મોત વહાલું કર્યું છે!
કાલા જાદુનો ભય કાલ્પનિક
ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના નિવૃત્ત વડા ડો. અશ્વિન જન્સારી કહે છે કે, કાલ્પનિક શક્તિનો માત્ર ભય હોય છે. ધાર્મિક વૃત્તિ વધુ પ્રમાણમાં હોવાથી સાયન્ટિફિક એપ્રોચ ઓછો હોવાથી સામાન્ય બાબતમાં પણ કુદરતી સંકેતોને કારણભૂત માનવામાં આવે છે. તાર્કિક રીતે વિચારવાના ઓછા વલણના કારણે આવી કાલ્પનિક ભય વધતો હોય છે. સમય જતાં કાલ્પનિક ભય એટલો હાવી થઈ જાય છે કે કોઈ નબળી ક્ષણે માણસ અજુગતું પગલું ભરી લે છે. આવા ડર સમયે મનોચિકિત્સકની મદદ લઈને બોધાત્મક વિચાર ઉપચાર કરવો હિતાવહ છે. ધાર્મિક માનવી અંધશ્રદ્ધામાં સરી પડે તો ગંભીર સ્થિતિ સર્જાય છે.
કાલી શક્તિ કે બારે મેં બતાયા થા...
કૃણાલભાઈની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મૈને કાલી શક્તિ કે બારે મેં બતાયા થા, મમ્મી મુજે કભી સમજ નહીં પાયી. પૂરી દુનિયાને મુજે શરાબી કહા, પર મૈં નશા કરતા ક્યોં થા? યદી આપને મુજે પહેલે દિન સમજ લિયા હોતા તો આજ મેરી જિંદગી કુછ ઔર હોતી. મૈં જીવન મેં કભી ભી કીસી ચીજ સે ડરા નહીં. આત્મહત્યા કૃણાલ કી ડિક્શનરી મેં કભી નહીં થી. મૈંને કઈ બાર ઈન કાલી શક્તિ કે બારે મેં બતાયા થા, પર આપને કભી ભી ઉસે માના નહીં ઔર શરાબ ઉસકા કારણ બતાયા. મૈં એમપી વાલે કો ધંધે મેં રૂ. ૧૪,૫૫,૦૦૦ દિયે હું, મૈં કિસીકા ભી કર્જદાર નહીં હું. મૈંને ધંધે મેં ૬,૦૦,૦૦૦ કે માલ પેટે રૂપિયા દિયે હૈ, કોઈ ભી આપસે રૂપિયા લેને કા હકદાર નહીં હૈ. જો આજ તક કા સંચય હૈ, કીસી ભી રૂપ વો પૂરા આપકા ધન હૈ. મૈં શરાબ કભી ભી શૌખ સે નહીં પી. કાલી વિદ્યાઓને મેરી ઈન કમજોરી કા ભરપૂર રૂપ સે ઉપયોગ કિયા હૈ. મેરી ઈચ્છા હૈ સાસ-સસુર ઔર આપ કોઈ તકલીફ મૈં આયે ઐસા મૈં કભી ચાહતા નહીં થા. લેકિન હાલાત ને મુજે ઉપર આને હી નહીં દિયા. જીવન મેં કઈ બાર ગીરા-ખડા હુઆ લેકિન કભી ભી હાર નહીં માના. પર અબ યે ચીજે દિનોદિન બઢતી જા રહી હૈ. મમ્મી આપ તો જાનતે હી હો કી ક્યા હાલાત હોતે જા રહે થે. ટીના ખૂબ ખુશ રહેના. જિજ્ઞેશભાઈ યે આપ કી જવાબદારી હૈ. શેર અલવિદા કહ રહા હૈ...


