કાશ પટેલ યુએસ ડિફેન્સ સેક્રેટરીના ચીફ ઓફ સ્ટાફ

Wednesday 25th November 2020 04:42 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન કાશ પટેલની યુએસ ડિફેન્સ સેક્રેટરીના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરાયા હોવાની પેન્ટાગોને જાહેરાત કરી છે. ‘હાલમાં નેશનલ સિક્યુરિટી સ્ટાફમાં સેવા આપી રહેલા કાશ પટેલને કાર્યકારી સેક્રેટરી મિલરે તેમના સ્ટાફના વડા તરીકે નિમ્યા છે.’ એમ પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું હતું. તેઓ સ્ટુઅર્ટના અનુગામી બન્યા છે, જેમણે એક દિવસ અગાઉ આ હોદ્દો છોડયો હતો.
ઉલ્લેખનીય છે કે વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને હાંકી કાઢયા બાદ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર ડિરેક્ટર ક્રિસ મિલરને કાર્યકારી ડિફેન્સ સેક્રેટરી બનાવ્યા છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે ક્રિસ મિલરે નવી ભૂમિકાની જવાબદારી સંભાળી લીધી છે. કાશ (કશ્યપ) પટેલ હાલમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સ્ટાફમાં છે અને પોતાના ચીફ ઓફ સ્ટાફ તરીકે ક્રિસ મિલરે તેમના નામની પસંદગી કરી છે તેમ પેન્ટાગોને જણાવ્યું હતું.
અમેરિકન-ભારતીય સમુદાયમાં કાશ પટેલ તરીકે ઓળખાતા કશ્યપ પ્રમોદ પટેલ હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટિમાં આતંકવાદીવિરોધી પરિષદના કાઉન્સેલ હતા. ૩૯ વર્ષના પટેલને જૂન ૨૦૧૯માં વ્હાઇટ હાઉસ ખાતે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના કાઉન્ટર-ટેરેરિઝમ ડાયરેકટર નિમવામાં આવ્યા હતા. 

ન્યૂ યોર્કમાં જન્મેલા કાશ પટેલના માતા-પિતા પૂર્વ આફ્રિકાથી અમેરિકા આવીને સ્થાયી થયા છે. તેમના માતા ટાન્ઝાનિયાના જ્યારે પિતા યુગાન્ડાના છે. તેઓ ૧૯૭૦માં કેનેડાથી અમેરિકા આવ્યા હતા.
તેમનો પરિવાર ન્યૂ યોર્કના ક્વિન્સમાં આવીને વસ્યો હતો, જે લિટલ ઇંડિયા તરીકે જાણીતો છે. ન્યૂ યોર્કમાં સ્કૂલિંગ અને વર્જિનિયાના રિચમન્ડમાં કોલેજ પૂર્ણ કર્યા બાદ કાશ પટેલ ફ્લોરિડા મૂવ થયા હતા અને ત્યાં સ્ટેટ પબ્લિક તથા ફેડરલ પબ્લિક ડિફેન્ડર તરીકે આઠ વર્ષ કામગીરી સંભાળી હતી.
તેમણે યુકેની યુનિવર્સિટી કોલેજ લંડન, ફેકલ્ટી ઓફ લોમાંથી સર્ટિફિકેટ ઈન ઈન્ટરનેશનલ સાથે લો ડિગ્રી મેળવવા માટે ન્યૂયોર્ક પાછા ફરતા પહેલા તેમણે યુનિવર્સિટી ઓફ રિચમન્ડ ખાતે અંડરગ્રેજ્યુએટ સ્ટડીઝ પૂરો કર્યો હતો. તેમણે કારકિર્દીની શરૂઆત ફ્લોરિડાથી કરી હતી. ચાર વર્ષ સુધી તેમણે પબ્લિક ડિફેન્ડર તરીકે પ્રેક્ટિસ કરી હતી. તેઓ મર્ડરથી લઈને નાર્કો ટ્રાફિકિંગ અને જટિલ ફાઈનાન્સિયલ ક્રાઈમના કેસની સ્ટેટ અને ફેડરલ કોર્ટ્સમાં ટ્રાયલ ચલાવી હતી. પછી તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) માં ટેરરીઝમ પ્રોસિક્યુટર તરીકે વોશિંગ્ટન ડીસી ગયા હતા.
કાશ પટેલે કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો હતો અને ભારત તથા પાકિસ્તાન શાંતિપૂર્વક લાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, ભારતે ૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને ભારતને હવાલે કરવા વારંવાર વિનંતી કરી હતી જોકે, તેમાં તેને કોઈ સફળતા મળી ન હતી. તાજેતરમાં પાકિસ્તાની કોર્ટે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના સ્થાપકને દસ વર્ષની જેલની સજા ફરમાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter