વોશિંગ્ટન: અમેરિકાની એજન્સી એફબીઆઇના વડા કાશ પટેલનું ઇમેલ આઇડી ઇરાનના હેકર્સે હેક કર્યાના અહેવાલો છે. એટલું જ નહીં કાશ પટેલ દ્વારા વડોદરાની એક બેન્કમાં ખાતું ખોલાવા અંગે ઇમેલ દ્વારા જે વાતચીત થઇ તેની વિગતો પણ તેમણે જાહેર કરી દીધી છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલા કરાયા અને તેના વડા ખામેનેઇનું મોત નિપજ્યું, બાદમાં સામસામે ભારે હુમલા થયા. આ સ્થિતિ વચ્ચે હવે ઇરાનના હેકર્સ ગ્રૂપે અમેરિકાની ટોચની તપાસ એજન્સી એફબીઆઇના ડાયરેક્ટર કાશ પટેલનું ઇમેલ આઇડી હેક કરી લીધું છે. ખુદ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વાત કન્ફર્મ કરાઇ છે. ઇરાનના હેકર્સ ગ્રૂપ હંડાલા હેક ટીમે પોતાની વેબસાઇટ પર કાશ પટેલનું ઇમેલ આઇડી હેક કર્યાની માહિતી મૂકી હતી. કાશ પટેલ દ્વારા 2011થી 2022માં ઇમેલ આઇડી દ્વારા જે પણ વાતચીત કરાઇ કે ફોટો-વીડિયો સ્ટોર કરાયા તેને પણ હેકર્સે મેળવી લઇને તેમાંની વિગતો જાહેર કરી છે.
વડોદરામાં બેન્ક એકાઉન્ટ
કાશ પટેલ અને એચડીએફસી બેન્કની વડોદરા શાખાના એક કર્મચારી દ્વારા બેન્કમાં ખાતુ ખોલવા અંગે જે વાતચીત થઇ તેને પણ હેકર્સે જાહેર કરી છે. 2013ની આ વાતચીત પરથી મનાય છે કે કાશ પટેલે વડોદરાની શાખામાં એનઆરઇ ખાતું ખોલાવ્યું હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કાશ પટેલ ચરોતરના આણંદના વતની છે.
પર્સનલ ડોક્યુમેન્ટ અને ફોટો જાહેર
માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર એફબીઆઇ ડાયરેક્ટર કાશ પટેલના અનેક પર્સનલ ફોટા શેર કરવામાં આવી રહ્યા છે. દાવો કરાઇ રહ્યો છે કે આ ફોટો હંડાલા હેકે જાહેર કરી છે. આ જૂથે પોતાની વેબસાઇટ્સ દ્વારા કાશ પટેલના પર્સનલ ડોક્યુમેન્ટ્સ અને ફોટા લીક કરવાનો દાવો કર્યો છે. જેમાં તેઓ એક એન્ટિક સ્પોર્ટ્સ કારની બાજુમાં ઉભેલા અને અન્ય એક ફોટામાં મોઢામાં સિગાર હોય તેવું દેખાય છે. આ જૂથે એમ પણ કહ્યું હતું કે તે કાશ પટેલના એકાઉન્ટમાંથી ઈમેઈલ અને અન્ય દસ્તાવેજો જાહેર કરશે. આમાંના ઘણા રેકોર્ડ્સ 10 વર્ષથી વધુ સમય પહેલાની તેમની વ્યક્તિગત મુસાફરી અને વ્યવસાય સાથે સંબંધિત હોવાનું જણાય છે.
ચોરાયેલા દસ્તાવેજોમાં કાશ પટેલના ભારતની એક ખાનગી બેંકમાં રહેલા NRE એકાઉન્ટ અને સ્ટેટમેન્ટ્સ તેમજ ટેક્સ રિટર્ન હોવાનું પણ વિશ્લેષણમાં બહાર આવ્યું છે. અમેરિકાની સૌથી મોટી તપાસ એજન્સી એફબીઆઇના વડા હોવાને કારણે તેમની સુરક્ષા અત્યંત કડક હોય છે. પરંતુ તેમના પર્સનલ જીમેઈલ દ્વારા તેમના ભારત (ખાસ કરીને ગુજરાત)માં રહેલા બેંક એકાઉન્ટ્સ અને નાણાકીય રોકાણોની વિગતો સાર્વજનિક થવી એ સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર બાબત માનવામાં આવે છે.
એક કરોડ ડોલરનું ઇનામ
અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે)ના એક અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે જે ડેટા ઓનલાઇન સામે આવ્યો છે, તે અસલી જેવો છે. આમ સાયબર એટેકની ગંભીરતા વધી ગઈ છે. આ ઇમેઇલ એકાઉન્ટ એક પર્સનલ જીમેઇલ આઈડી હતું, જેમાં 2010 થી 2019 સુધીના ઇમેઇલ્સ હતા. આ ઇમેઇલ્સમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને પ્રકારની વાતચીત સામેલ હોવાનું કહેવાય છે. જોકે, અત્યાર સુધી એફબીઆઇ તરફથી આ સમગ્ર મામલે કોઇ નિવેદન અપાયું નથી. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ હેકિંગ પાછળ રહેલા હંડાલા હેક ગ્રૂપના સભ્યોની ઓળખ આપનારને 1 કરોડ ડોલર સુધીના ઇનામની જાહેરાત કરી છે.
ભારત સરકાર તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી. જોકે, HDFC બેંકના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેંકની સિસ્ટમમાં કોઈ ગાબડું પડ્યું નથી. ડેટા કાશ પટેલના પર્સનલ ઈમેઈલ (Gmail)માં રહેલા સ્ટેટમેન્ટ્સ દ્વારા લીક થયો છે, તેથી બેંકની સુરક્ષા પર કોઈ પ્રશ્ન ઉભો થતો નથી.


