કાશ્મીરનાં પથ્થરમારામાં કટ્ટર માનસ ધરાવતા સંગઠનોનો હાથ

Wednesday 03rd May 2017 08:12 EDT
 
 

અમદાવાદઃ અશાંત કાશ્મીરમાં સ્થિતિ થાળે પાડવા ભારત સરકારે કડક પગલાં લેવા પડે તેવો સમય આવી ગયો છે. કાશ્મીરમાં હાલ જે અવળચંડા તત્ત્વો હાલ પથ્થરમારો કરી રહ્યા છે તે વૈશ્વિક આતંકવાદનો હિસ્સો છે અને તેમાં કટ્ટર માનસિક્તા ધરાવતા સંગઠનો સંકળાયેલા છે તેમ પનુન કાશ્મીરના પ્રતિનિધિ મંડળે જણાવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી જે લોકો ગુજરાતમાં સ્થાયી થયા છે તેમનું સમર્થન મેળવવા માટે ૨૬મી એપ્રિલથી પનુન કાશ્મીરનું પ્રતિનિધિ મંડળ ગુજરાતમાં હતું. ૨૯મીએ અમદાવાદમાં આવેલા પનુન કાશ્મીરના પ્રમુખ અશ્વિન ચ્રન્ગૂએ જણાવ્યું હતું કે, પથ્થરમારો કરવો તે ૧૯૩૧ના વર્ષથી કાશ્મીરના રાજકારણનો હિસ્સો છે. હાલમાં આંતકવાદીઓને રક્ષણ પૂરું પાડવા માટે પથ્થરમારો થાય છે. અગાઉ કાશ્મીરી પંડિત પથ્થરમારાના નિશાન પર રહેતા હતા. હવે રાજકીય હરીફ સાથે હિસાબ સરભર કરવા પથ્થરમારો કરવામાં આવે છે. અત્યારની સ્થિતિમાં સૌથી મોટી કમનસીબ વાત એ છે કે કાશ્મીરના કેટલાક કહેવાતા મોટા ગજાના રાજકારણીઓ આ પથ્થરમારાને ટેકો આપી રહ્યા છે.
હવે તેમની સામે ભારત સરકાર કડક પગલાં અખત્યાર કરે તેવી અમારી અપેક્ષા છે. આ કટ્ટરવાદીઓ પર અંકુશ મેળવવા નક્કર પગલાં લેવાય તે જરૂરી છે. કાશ્મીરના રાષ્ટ્રવાદી બળમાં આત્મવિશ્વાસ લાવવો જરૂરી છે કે જેથી તેઓ નિર્ભય થઇને પગલાં લઇ શકે. હિંદુ અને અન્ય લઘુમતીઓ માટે પુનઃ વસવાટની વ્યવસ્થા કરવામાં આવે તે આ પૈકીનો એક નિર્ણય છે. વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતો સાથે સરકાર વાર્તાલાપ કરે તેવી અમારી માગણી છે.
આધુનિક વસ્ત્રો પર પણ પ્રતિબંધ
કાશ્મીરમાં કટ્ટર માનસિકતા ધરાવનારાઓનું વધતું વર્ચસ્વ ચિંતાજનક છે તેમ જણાવતા પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, અમારા સંતાનો મોડર્ન વસ્ત્રો પહેરે તો પણ હેરાનગતિ થાય છે. કાશ્મીર પંડિતો કાશ્મીરમાં જ માઈનોરિટી બની ગયા છે. અમારે શું કરવું અને શું નહીં કરવું તે અન્ય લોકો જ નક્કી કરે છે. કાશ્મીરી પંડિતો માટે અલગ યુનિયન ટેરિટરી માટે કેન્દ્ર સરકારે વિચારણા કરવી જોઈએ.
પનુન કાશ્મીર
કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા પંડિતોના સંગઠનને પનુન કાશ્મીર તરીકે ઓળખાય છે અને તેની સ્થાપના ડિસેમ્બર ૧૯૯૦માં કરવામાં આવી હતી. પનુન કાશ્મીરનો અર્થ થાય છે અમારું પોતાનું કાશ્મીર. કાશ્મીરી પંડિતો માટે અલગ કેન્દ્રશાસિત પ્રદેશની તેમની વર્ષો જૂની માગ છે.
કાશ્મીરીઓને વિશેષ દરજ્જો
પનુન કાશ્મીરે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પણ કાશ્મીરથી વિસ્થાપિત થઈને ગુજરાતમાં વસેલા કાશ્મીરી પંડિતોને વિશેષ દરજ્જો આપે તેવો અમારો અનુરોધ છે. ગુજરાતમાં હાલ ૫૦૦ જેટલા કાશ્મીરી પંડિતો છે. દેશમાં હાલ ૭ લાખ કાશ્મીરી પંડિતો છે અને તેમાંથી હવે માત્ર ૩ હજાર જ કાશ્મીરમાં રહે છે. હાલની સ્થિતિ એવી છે કે હજુ પણ અનેક લોકો આગામી સમયમાં કાશ્મીર છોડી દેશમાં અન્ય વસવાટ શરૂ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter