અમદાવાદ: ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સના તજજ્ઞ અને નેફ્રોલોજી ક્ષેત્રે ગુજરાતનું નામ ગૂંજતું કરનારા ડો. એચ. એલ. ત્રિવેદીનું બીજી ઓક્ટોબરે ૮૭ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. પાર્કિન્સન સહિતની ઉંમરસહજ બીમારીના કારણે તેઓ જુલાઈ મહિનાથી આઈસીયુમાં સારવાર હેઠળ હતા. બીજા દિવસે સવારે તેમના પાર્થિવ દેહને કિડની ઈન્સ્ટિટ્યુટ સંકુલમાં અંતિમ દર્શનાર્થે રખાયો હતો અને બાદમાં દૂધેશ્વર સ્મશાનગૃહમાં તેમની અંતિમવિધિ કરાઈ હતી.
૪૦૦થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વિક્રમ તેમના નામે છે. ઉપરાંત ૫૦૦૦થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો વિક્રમ તેમના ઈન્સ્ટિટ્યુટના નામે છે. વર્ષ ૨૦૧૫માં તેમના પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તબીબ જગતના લોકો તેમને સફેદ એપ્રનમાં રહેલા ઋષિ તરીકે ઓળખતા હતા.
ડો. એચ. એલ. ત્રિવેદીના નામથી પ્રખ્યાત હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદીનો જન્મ ૩૧મી ઓગસ્ટ ૧૯૩૨ના રોજ સુરેન્દ્રનગરના ચરાડવા ગામે થયો હતો અને ૧૯૫૩માં અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ લીધો હતો. ત્યારબાદ તેમણે અમેરિકાના ઓહિયો રાજ્યના ક્લેવલેન્ડ ક્લિનિકમાંથી નેફ્રોલોજીનો અભ્યાસ અને પ્રેક્ટિસ શરૂ કરી હતી.
૧૯૭૦માં તેમણે કેનેડાના ઓન્ટારિયોની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં નેફ્રોલોજીના અધ્યાપક તરીકે સેવા આપવાનું શરૂ કર્યું હતું. ૧૯૭૭માં તેઓ ભારત પરત આવ્યા હતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નેફ્રોલોજી વિભાગના હેડ તેમજ પ્રોફેસર તરીકે ફરજ બજાવવાનું શરૂ કર્યું હતું.
ડાયાલિસિસ પદ્ધતિની શોધપ્રક્રિયાના સાક્ષી
કેનેડામાં હતા ત્યારે ડાયાલિસિસ પદ્ધતિની શોધની પ્રક્રિયાના તેઓ સાક્ષી હતા અને કેનેડામાં તેઓ સફળતાની ટોચ પર હતા ત્યારે તેમણે વતનની સેવા માટે પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. કિડની સંબંધિત રોગો માટે અલાયદી હોસ્પિટલ અને સંશોધન સંસ્થા સ્થાપવા માટે તેઓ ભારત પરત ફર્યા હતા. ૧૯૮૩માં તેમણે અમદાવાદમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી હતી.
૧૯૯૮માં તેમણે ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સની અમદાવાદમાં સ્થાપના કરી હતી. આ ઈન્સ્ટિટ્યુટને ૨૦૦૪માં ડો. એચ. એલ. ત્રિવેદી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ નામ અપાયું હતું. નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ ક્ષેત્રે ભારતમાં ડો. ત્રિવેદીનો ફાળો અભૂતપૂર્વ હતો.
આ ઉપરાંત ભારતમાં સ્ટેમસેલ સંશોધનમાં પણ તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. આ ક્ષેત્રની ઘણી રિસર્ચ જર્નલ અને સંસ્થાઓના તેઓ સ્થાપક હતા. ૨૦૧૫માં સ્થપાયેલી ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સના તેઓ પ્રો-ચાન્સેલર હતા.
સાક્ષી તરીકે પોણા બે વર્ષ જુબાની
વર્ષ ૨૦૦૪માં કિડની હોસ્પિટલના બિલિંગ કૌભાંડમાં ડો. એચ. એલ. ત્રિવેદી સાક્ષી હતા. ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોણા બે વર્ષ તેમની જુબાની લેવાઇ હતી. જોકે નાદુરસ્ત તબિયતના કારણે તેઓ હાજર રહી શકતા ન હોવાથી બીજા સાક્ષીઓની જુબાની શરૂ કરાઈ હતી, હવે તેમની જુબાની અધૂરી જ રહેશે.
લાદેને ડો. ત્રિવેદીને ફોન કર્યો હતો
આંતરરાષ્ટ્રીય સ્તરે કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેને કિડની તપાસ માટે વર્ષ ૨૦૦૭માં ડો. ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો. લાદેનની એક કિડની ફેલ હતી જેના સંદર્ભે ડો. ત્રિવેદીનો સંપર્ક કરીને સારવારના બદલામાં કરોડો રૂપિયા ઓફર કર્યાં હતાં. તે સમયે તેમણે કહ્યું કે તેમને પૈસા નથી જોઈતા, પણ એક શરતે લાદેનનું ઓપરેશન કરવા તૈયાર છે કે સર્જરી પછી અલ કાયદા ભારત સાથેનો શત્રુતાપૂર્ણ વ્યવહાર સદંતર બંધ કરી દે. લાદેન પણ આખરે તો માણસ છે માટે તેનું ઓપરેશન કરવામાં મને વાંધો નથી.


