અમદાવાદ: મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી અમદાવાદ લઇ આવ્યા બાદ હવે ક્રાઇમ બ્રાંચે તેની આકરી પૂછપરછ ઉપરાંત નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કર્યું છે. ક્રાઈમ બ્રાંચની ટીમ સોમવારે તેના ઘરે ઘોડાસ૨ના પ્રેસ્ટીજ બંગલોઝમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન રૂ. 100 ના 3 સ્ટેમ્પ અને રૂ. 50 નો એક કોરો સ્ટેમ્પ મળ્યો હતો. જેના આધારે કિરણ પટેલ વધુ 4 મિલકત પચાવી પાડવાની પેરવીમાં હોવાની શંકા પોલીસે નકારી નથી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતુ કે, કિરણ પટેલના ઘરે સર્ચ ઓપરેશન 2 કલાક ચાલ્યું હતું. જેમાં વધુ 3 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા.
અનેક નેતાની ઊંઘ હરામ
મહાઠગ કિરણ પટેલને તપાસ માટે અમદાવાદ લવાતાં જ અનેક રાજનેતાના ચહેરા પરથી નુર ઉડી ગયા છે. કિરણ પટેલે રૂપિયા લઇને અનેક કામો કરાવ્યાનું કહેવાય છે. સાથે સાથે કિરણ પટેલના મોબાઇલના કોલ રેકોર્ડ ડીટેઇલમાં તેણે નેતાઓ સાથે અનેકવાર વાતચીત કર્યાનું ખુલ્યું છે. આમ પોતાની પોલ ખુલી જવાના ડરથી કેટલાંક નેતા હેરાન-પરેશાન છે.


