અમદાવાદઃ શહેરમાં યોજાયેલા પુસ્તક લોકાર્પણ સમારોહમાં જાણીતા સાહિત્યકાર અને જૈન ધર્મદર્શનના પ્રખર અભ્યાસુ ડો. કુમારપાળ દેસાઇ લિખિત ત્રણ ગ્રંથોનું વિમોચન કરાયું હતું. મહાભારતના પાત્રો આધારિત આ ગ્રંથોમાં કુંતીના પાત્ર આધારિત નવલકથા ‘અનાહતા’ અને ગાંધારીના પાત્ર આધારિત નવલકથા ‘અગ્નિશિખા’નો સમાવેશ થાય છે. આ પ્રસંગે સંસ્કૃત સાહિત્યના વિદ્વાન વિજય પંડ્યાએ કહ્યું કે આ ગ્રંથોમાં આલેખાયેલા પ્રસંગોની લેખકે પોતાની આગવી મૌલિક દૃષ્ટિએ માવજત કરી છે. વિશેષ તો કુંતી અને ગાંધારીના ઉપેક્ષિત પાત્રોને એમણે જુદા જુદા દૃષ્ટિકોણથી ઉપસાવીને સાંપ્રત સંદર્ભમાં ઉજાગર કર્યા છે. ગ્રંથોનું વિમોચન કરતાં જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ કહ્યું કે જૈનદર્શનનાં અભ્યાસી એવા કુમારપાળ દેસાઈએ આ મહાભારતના કથાનકમાં જૈન દૃષ્ટિનો વિનિયોગ કર્યો છે, તે જોવું ઘણું રસપ્રદ બની રહે છે.
લેખક કુમારપાળ દેસાઈએ પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે મહાભારત એ માનવપ્રજ્ઞાનું મહાનિર્માણ છે અને એથી પ્રત્યેક સમયે મહાભારત સાંપ્રત હોય છે. આજે વિશ્વમાં થતા સંહારક દૃશ્યો સાથે ગાંધારીએ દિવ્ય દૃષ્ટિથી જોયેલા કુરુક્ષેત્રના દૃશ્યોને સરખાવી શકાય. વળી એની સાથોસાથ ગાંધારી એક એવું પાત્ર છે કે નિયતિએ જેને જીવનભર આઘાત આપ્યો અને એ આઘાતોની વચ્ચે એ સત્યનિષ્ઠાથી અડગ રહી. કાર્યક્રમના પ્રારંભે પુસ્તકના પ્રકાશક ગૂર્જર પ્રકાશનના મનુભાઈ શાહે જણાવ્યું કે ‘જયભિખ્ખુ’ અને એ પછી કુમારપાળ દેસાઈનાં તમામ પુસ્તકો પ્રકાશિત કરવાની અમને તક મળી છે અને તે અમારે માટે સુવર્ણ તક છે. આ પ્રસંગે કુમારપાળ દેસાઈની ‘અનાહતા’ નવલકથા પરથી કમલ જોશી અને અન્ય 22 કલાકારોએ ‘અનાહતા’ નામની નાટ્યકૃતિ પ્રસ્તુત કરીને દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.