સુરત: ગુજરાતી અને હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાંત મગનલાલ ભૂખણવાલાનું સોમવારે ૯૪ વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. તેમણે અમિતાભ બચ્ચન, રાજ કપૂર, રાજેશ ખન્ના, દિલીપકુમાર, દેવ આનંદ, મધુબાલા જેવા કલાકારો સાથે કામ કર્યું હતું. કૃષ્ણકાંત ઉર્ફે કેકેના નામથી જાણીતા આ કલાકારે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ ‘ડાકુરાણી ગંગા’, ‘જોગ સંજોગ’, ‘ઘર-સંસાર’, ‘મા-દીકરી’ જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી. કેકેએ કુલ ૧૩ ગુજરાતી અને બે હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.


