કે. કૈલાસનાથનને એક વર્ષનું એક્સટેન્શનઃ

Tuesday 19th May 2015 12:12 EDT
 

મુખ્ય પ્રધાનની ઓફિસમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવતાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કે. કૈલાસનાથનને એક વર્ષની મુદત માટે ફરી એક વખત નિમણૂક આપવામાં આવી છે. તેઓ મે ૨૦૧૩માં નિવૃત્ત થયા હતા. તેમની આવડતના કારણે બે વર્ષ માટે ગુજરાત સરકારે પુનઃનિયુક્તિ આપી હતી. ૨૨મી મેના રોજ તેમની નિમણૂકની મુદત પૂરી થતી હતી. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ ચીનના પ્રવાસે જાય તે પહેલાં તેમની નિમણૂક આપવામાં આવી હતી. 

ભદ્રેશ પટેલ ઈન્ટરપોલના વોન્ટેડ લિસ્ટમાંઃ અમેરિકામાં પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા અમદાવાદના ભદ્રેશ પટેલને પકડવા માટે અમેરિકાની પોલીસે એફબીઆઈની મદદ લઇને તેના પર ઈનામ જાહેર કર્યું છે. ભદ્રેશ પટેલ ન ઝડપાતાં હવે તેને ઈન્ટરપોલની વેબસાઈટ ઉપર પણ વોન્ટેડ જાહેર કરાયો છે. ઈન્ટરપોલના વોન્ટેડ લિસ્ટમાં ભદ્રેશ પટેલનો સમાવેશ પ્રથમ પાંચમાં થાય છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના હેનોવરમાં રહેતા ભદ્રેશ પટેલ મૂળ અમદાવાદના રાણીપ વિસ્તારનો રહેવાસી છે. તેનાં લગ્ન નવા વાડજમાં રહેતી પલક પટેલ સાથે થયાં હતાં. ગત મહિને પલક જ્યારે હેનોવરમાં પોતાની નોકરી ઉપર હતી ત્યારે અચાનક ભદ્રેશ ત્યાં આવ્યો હતો અને છરીના ઘા ઝીંકી પલકની હત્યા કરી હતી.

જૂનાગઢ-હિંમતનગરની મેડિકલ કોલેજને મંજૂરીઃ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ઉત્તર ગુજરાતના હિંમતનગરમાં ૧૫૦-૧૫૦ બેઠકો સાથેની બે મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી છે. આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જુલાઈ-૨૦૧૫થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી જ ઉપરોક્ત બંને મેડિકલ કોલેજનો આરંભ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા સોલા-અમદાવાદ, ગોત્રી-વડોદરા, ધારપુર-પાટણ, ગાંધીનગર અને વલસાડ ખાતે એમ કુલ પાંચ મેડિકલ કોલેજનું સંચાલન થાય છે. હવે તેમાં જૂનાગઢ અને હિંમતનગરનો પણ ઉમેરો થશે. પટેલે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૦૫-૦૬માં ગુજરાતમાં એમબીબીએસની કુલ બેઠકો ૧,૫૨૫ હતી. તત્કાલિન મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે કરેલા નિર્ણયોના બળે ૧૦ વર્ષમાં આ બેઠકોની સંખ્યા બમણી થઈ છે.

આનંદીબેનની ગેરહાજરીમાં બે પ્રધાનોને જવાબદારીઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ છ દિવસ માટે ચીનના પ્રવાસે જતાં તેમણે બે વરિષ્ઠ પ્રધાનો નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પોતાના વિભાગોની જવાબદારી સોંપી છે. આ નિર્ણયથી બીજા પ્રધાનોને સ્પષ્ટ આડકતરો નિર્દેશ પણ અપાયો છે. આ જવાબદારીમાં નાણા પ્રધાન સૌરભ પટેલનો સમાવેશ થશે તેવી અપેક્ષા હતી પણ તેમનો સમાવેશ કરાયો નથી. તેમને કદ પ્રમાણે વેતરી નખાયા હતા. નીતિન પટેલ સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે અને તેઓ મુખ્ય પ્રધાનના મહત્વના છ વિભાગો સંભાળશે. ભાજપ સરકારના ૧૮ વર્ષનાં શાસનમાં આવો પ્રથમ વખત નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં કાળઝાળ ગરમી, વાવાઝોડા સાથે ધોધમાર વરસાદઃ અમદાવાદમાં આખા દિવસની કાળઝાળ ગરમી રહે છે તો ક્યારેક વાતાવરણમાં પલટો પણ આવે છે. ૧૩ મેએ શહેરમાં સાજે પાંચ વાગ્યાની આસપાસ અચાનક વાવાઝોડા સાથે સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેથી શહેરમાં ૪૦થી વધુ વૃક્ષો ધરાશયી થયાં હતાં. આ સિવાય શાહપુરમાં પતરાં ઊડી જવાના બનાવો બન્યા હતા. શહેરના આશ્રમ રોડ, સી. જી. રોડ, રિલીફ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યાં હતાં. જ્યારે ૨૦ જેટલાં સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter